Home Current ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી દિવાળીની અનોખી ઉજવણી – આવુ કાર્ય પણ કરવું જોઈએ

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી દિવાળીની અનોખી ઉજવણી – આવુ કાર્ય પણ કરવું જોઈએ

683
SHARE
દિવાળીના સપરમા તહેવારો દરમ્યાન આપ સૌને ન્યૂઝ4કચ્છ દ્વારા શુભેચ્છાઓ સાથે એક સવાલ પણ કરીએ છીએ, શું તહેવાર ની ઉજવણી માત્ર આપણી જાત પૂરતી કે પછી આપણા પરિવાર પૂરતી જ હોવી જોઈએ? આજે જ્યારે આપણ ને સૌને મોંઘવારી નો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે એક વિચાર એ પણ કરવાની જરૂરત છે કે, જે ગરીબ વર્ગ છે તે કેવી રીતે તહેવારની ઉજવણી કરી શકે? એમના પણ બાળકોને આપણાં બાળકો જેવી જ તહેવાર ઉજવવાની હોંશ અને ઉત્સાહ હોય પણ મોંઘવારી ના કારણે તેઓ માટે દિવાળી જેવો મોટો તહેવાર પણ ઉજવવાની લાચારી હોય છે. પણ, ગરીબી ના અંધકાર વચ્ચે પણ કરુણા અને માનવીય સંવેદનાનો દિપક આજે ય ઝળહળે છે. વાત, વિદ્યાર્થીઓના માનવીય અભિગમ ની છે, જોકે, આ વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોય તેઓ આજે ભૂતપૂર્વ છે, પણ તેમણે માનવતાનો દિપક પ્રગટાવીને અભૂતપૂર્વ કામ કર્યું છે. સ્હેજ વિસ્તૃત જાણકારી સાથે વાત કરીએ તો, કચ્છના ડુમરા મધ્યે આવેલી નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિધાર્થીઓનું એક એલુમની એસોસિએશન કરીને સંગઠન છે, જેમા ગુજરાત ની અન્ય ત્રણ નવોદય વિદ્યાલયોની સાથે રાજસ્થાન તેમ જ હિમાચલ પ્રદેશ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા છે. આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ વખતે દિવાળીની ઉજવણી ગરીબ પરિવારો અને તેમના બાળકો ના ચહેરા ઉપર હાસ્ય રેલાવતા માનવતા ભર્યા કાર્ય સાથે કરી. ભુજ ના ઝૂંપડપટ્ટી વિસ્તારો ના પરિવારોને અનાજની કીટ, વાસણો, કપડા તેમ જ બાળકો માટે ફટકડાનું વિતરણ કરાયું હતું. આ સંવેદના ભર્યા કાર્યમાં ડુમરા(કચ્છ), ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની નવોદય વિદ્યાલયના ૨૦ જેટલા ભૂતપૂર્વ છાત્રો જોડાયા હતા. જોકે, આ છાત્રો વર્ષ દરમ્યાન અવારનવાર આવી માનવતાભરી ઉજવણી કરે છે. વાત ભલે નાનકડી હોય પણ તેનો સંદેશ સમાજ માટે પ્રેરણાદાયી છે. તહેવારોની સાચી ઉજવણી એ છે કે, આપણે ગરીબ પરિવારો અને ગરીબ બાળકોના ચહેરા ઉપર હાસ્ય લઈ આવીએ.