દિવાળી પછી નવા વર્ષ ના પ્રારંભ સાથે જ ભુજના રાજકીય માહોલ માં ગરમાટો આવ્યો છે. આ રાજકીય ગરમીનું કારણ છે, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન ને મ્યુનિસિપલ એકટની કલમો તળે કાનૂની નોટિસ આપીને ગેરલાયક ઠરવાની આપેલી ચીમકી!! આ નોટિસ ને પગલે ભુજ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બન્નેમાં રાજકીય માહોલ અને આંતરિક રાજકારણ તેજ બન્યું છે. જોકે, આ નોટિસ આમ તો વર્તમાન પ્રમુખ લતાબેન સોલંકી અને કારોબારી ચેરમેન ભરત રાણાને અપાઈ છે, પણ તેની સાથેજ ભુજ નગરપાલિકાના અગાઉના પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા નો કાર્યકાળ અને તેમના સમય માં અપાયેલ ટેન્ડરો અને થયેલી કામગીરી પણ વિવાદમાં આવી ગઈ છે. અલબત્ત અત્યારે તો વિપક્ષી નેતાની નોટિસ એક પક્ષીય છે, અને શાસક પક્ષ તેનો જવાબ હવે આપશે, પણ અત્યારે તો વર્તમાન પ્રમુખ લતાબેન સોલંકી અને કારોબારી ચેરમેન ભરત રાણા ને ગુજરાત મ્યુનિસિપલ એક્ટ હેઠળ ગેરલાયક ઠેરવવાની નોટિસે કોંગ્રેસ કરતાંયે શાસક પક્ષ ભાજપની અંદર વધુ રાજકીય ખળભળાટ સર્જ્યો છે.
ચીફ ઓફિસર અને કલેકટર ને પણ નોટિસ માં આવરી લેવાયા?
રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના એડવોકેટસ અવનીશ ઠક્કર અને એસ. એસ. ચાકી મારફતે ભુજ નગરપાલિકા ને નોટિસ ફટકારવાની સાથે પૂછેલા ખુલાસા માં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેમાં મ્યુનિસિપલ કલમ ૬૭ હેઠળ ૨૦ હજારથી વધુ રકમના કામો ટેન્ડર નોટિસ વગર આપી ન શકાય. છતાંયે નિયમભંગ કરીને મોટી રકમના કામો વગર ટેન્ડરે આપી દેવાયા. એટલુંજ નહીં, ગત ૩૦/૮/૧૮ અને ૯/૧૦/૧૮ ના યોજાયેલી બે સામાન્ય સભાઓમાં અપાયેલી ઠરાવો ની બહાલી સામે પણ સવાલ ઉઠાવાયા છે. ૨૪ ઠરાવો મંજુર કરાયા પણ ૧૪ ઠરાવો માં તો ઠરાવ ની પહેલાં જ ₹ ચૂકવી દેવાયા હોઈ આ તમામ ઠરાવો નિયમ વિરુદ્ધના હોવાનું જણાવાયું છે. જેને રદ કરીને ₹ ની રિકવરી કરવા માંગ કરાઈ છે. આ નોટિસ માં ગુજરાત હાઇકોર્ટ નો એક ચુકાદો ટાંકીને તમામ ઠરાવો રદ કરવા જણાવાયું છે. અન્યથા નગરપાલિકા તંત્રને , વહીવટી અધિકારી તરીકે ચીફ ઓફિસરને અને વહીવટી પ્રક્રિયાના ભાગ રૂપે તમામ ઠરાવ કલેકટર સમક્ષ રજૂ કરાતા હોઈ તે તમામને પણ પક્ષકાર બનાવવાની ચીમકી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમના એડવોકેટ અવનીશ ઠક્કરે આપી છે. સાથે સાથે સરકાર અને પ્રજાના નાણા નો વેડફાટ અટકાવવા આ તમામ ઠરાવો રદ કરવા, જેમણે ઠરાવો માં સહી કરીને ભ્રષ્ટાચાર આદર્યો છે તેવા પદાધિકારીઓ અને નગરસેવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રકમ પરત મેળવવા, ફોજદારી ફરિયાદ કરવા તેમ જ નવા કામના તમામ વર્ક ઓર્ડર રદ કરવા માંગણી કરાઈ છે. જોકે, નોટિસમાં નિયમ વિરુદ્ધ કાર્યવાહી માટે પ્રમુખ અને કારોબારી ચેરમેન ને સીધા જવાબદાર ગણીને તેઓ નગરસેવક તરીકે પણ ગેરલાયક ઠરે તેવું જણાવાયું છે. જોકે, ભુજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામ, પીવાના પાણી માટે બનાવાતા ટ્યુબવેલ, પાણી ની મોટરો નું રીપેરીંગ, સફાઈનો દર મહીને અપાયેલો લાખોનો કોન્ટ્રાકટ, સ્ટ્રીટ લાઈટો, નવા રોડ રસ્તા સહિત તમામ જાહેર કામો માં ભ્રષ્ટાચાર ના આક્ષેપો થઈ ચૂક્યા છે.