Home Social ગાયન, ચિત્રકલા, ફોટોગ્રાફીમાં વિશ્વસ્તરે ગુજરાતનું નામ રોશન કરનારા કચ્છી કલાકારોનું કરાયું સન્માન

ગાયન, ચિત્રકલા, ફોટોગ્રાફીમાં વિશ્વસ્તરે ગુજરાતનું નામ રોશન કરનારા કચ્છી કલાકારોનું કરાયું સન્માન

1274
SHARE
કહેવાય છે ને કે, કલા ને ક્યારેય કોઈ સીમાડા નડતા નથી. એન. આર. આઈ. ફેસ્ટિવલ કાઉન્સિલ અને એસ. વી. ઇન્ટરનેશનલ પ્રોડક્શન એ બે સંસ્થાઓ દ્વારા પોતાની કલાના માધ્યમ થી વૈશ્વિકસ્તરે કચ્છનું નામ રોશન કરનારા કચ્છી કલાકારોને સન્માનિત કરાયા હતા. ગાયન ક્ષેત્રે કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારીએ આજે લોકડાયરા ના કાર્યક્રમો માં દેશ વિદેશના ગુજરાતી દર્શકો માં માનભર્યું સ્થાન મેળવ્યું છે. તો, ચિત્રકલા ક્ષેત્રે બબ્બે વખત લિમ્કા બુક્સ ઓફ રેકોર્ડસ માં સ્થાન મેળવનાર ચિત્રકાર બીપીન સોની પણ પોતાની ચિત્રકલા ના માધ્યમ થી દેશવિદેશમાં નામના મેળવી ચુક્યા છે, અને ચિત્રકલા ક્ષેત્રે તેમણે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. તો, ફોટોગ્રાફી ક્ષેત્રે વર્લ્ડ ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ થી સન્માનિત અરવિંદ નાથાણી શ્રેષ્ઠ પંક્તિ ના ફોટોગ્રાફર છે. તેમના ફોટોગ્રાફ દેશ વિદેશના અંગ્રેજી સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કચ્છ પ્રવાસના ફોટોગ્રાફ ની કોફી ટેબલ બુક થી ખુદ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા હતા. કચ્છના ઐતિહાસિક સ્થાપત્ય ના તેમના ફોટોગ્રાફની ગુજરાત ટુરિઝમે ખાસ બુક પ્રકાશિત કરી છે. આ ત્રણ કચ્છી કલાકારોની સાથે દેશ વિદેશના ભારતીયોમાં અતિ લોકપ્રિય એવા ‘કોન બનેગા કરોડપતિ’ ના શો માં પોતાના બુદ્ધિ કૌશલ્ય થી વિજેતા બનીને કચ્છનું નામ રોશન કરનારા પ્રવિણ ગોરસિયા ને પણ સન્માનિત કરાયા હતા. બન્ને સંસ્થાઓ વતી એન. આર. આઈ. ફેસ્ટિવલ કાઉન્સિલના ચેરમેન હર્ષદભાઈ ઠક્કર, એસ. વી. ઇન્ટરનેશનલ પ્રોડક્શનના વિનોદ ગોરસિયા, પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને ભુજ ના પૂર્વ નગરપતિ શંકરભાઇ સચદે, વિનોદ પિંડોલીયા અને વિશ્વજીત હરસિયાણી ના હસ્તે આ સન્માન કરાયું હતું. બન્ને સંસ્થાઓ વિદેશ પ્રવાસ દરમ્યાન કચ્છી કલાકારોને મદદરૂપ બનતી હોવાનું કહેતા વિનોદ ગોરસિયાએ જણાવ્યું હતું કે, લંડન, કેન્યા, મોમ્બાસા, ટાંઝાનિયા, કમ્પાલા, નૈરોબી , યુએઇ અને ઓસ્ટ્રેલિયા માં તેમની સંસ્થા સક્રિય છે, જે વિદેશ આવતા કચ્છી, ગુજરાતી કલાકારોને માર્ગદર્શન સાથે મદદરૂપ પણ બને છે. તો, સ્થાનિકે કચ્છ માં માતૃછાયા કેબલ નેટવર્ક દ્વારા પોતે ગૌસેવા તેમ જ ધાર્મિક કાર્યક્રમોનું મફત પ્રસારણ કરતા હોવાનું વિનોદ વરસાણીએ જણાવ્યું હતું. આગેવાનો જેમલ રબારી, પૃથ્વી રબારી એ ગૌધન બચાવવા માટે યોજાતા ડાયરામાં લોકકલાકાર ગીતાબેન રબારી દ્વારા યથાશક્તિ અપાતા યોગદાન ને બિરદાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિનોદ પિંડોલીયાએ કર્યું હતું જયારે સફળ બનાવવા વિશ્વ જીત હરસિયાણીએ જહેમત ઉઠાવી હતી.