મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૧૫મી ડિસેમ્બરથી કચ્છમાં ઢોરવાડા શરૂ કરવાની જાહેરાત બાદ આ અંગેની મંજૂરી ક્યારે મળશે તે વિશે થઈ રહેલી મૂંઝવણ અને અવઢવનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર ૧૫ ડિસેમ્બરના પ્રથમ દિવસે જ કચ્છમાં પહેલાં ઢોરવાડાને કલેકટર રેમ્યા મોહને મંજૂરી આપી છે. આ વિશે વધુ વિગતો આપતાં કચ્છના અધિક કલેકટર કે.એસ.ઝાલાએ આપેલી વિગતો અનુસાર શ્રી બન્ની સર્વોદય વિકાસ ટ્રસ્ટ મુ. ઘડિયાડો તા. ભુજને ૬૩૫ પશુઓની સંખ્યા માટે ભુજ પ્રાંત અધિકારીને મળેલી દરખાસ્ત મુજબ ઘડિયાડો ખાતે કેટલ કેમ્પ ચલાવવા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અપાઇ છે. જેમાં શરતોને આધીન ઢોરવાડો શરૂ કરવા સંદર્ભે કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્વૈચ્છિક સંસ્થાને સબસીડી મળવાપાત્ર થશે.
વધુમાં મંજૂર કરાયેલા ઢોરવાડાના તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની પ્રક્રિયા હુકમ મળ્યાની તારીખથી દિન-૭માં પૂર્ણ કરવા વગેરે સહિતની ૩૧ શરતો સાથે ઢોરવાડાની મંજૂરી આપવામાં આવી છે અને શરતોનો ભંગ થશે તો કેટલ કેમ્પને આપવામાં આવેલી મંજૂરી રદ્દ કરવામાં આવશે વગેરે બાબતો પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.
વધુ ઢોરવાડા મંજૂર કરવા સંદર્ભે અધિક કલેકટર કે.એસ.ઝાલાએ અબડાસા વિસ્તારની ત્રણ સંસ્થાઓની અરજીઓ હાલે ચકાસણી હેઠળ હોવાનું પણ જણાવ્યું હતું. દુષ્કાળ અને અછતની વર્તમાન પરિસ્થિતિમાં આગામી દિવસોમાં કચ્છમાં ઢોરવાડા શરૂ કરાતાં પશુ નિભાવની કામગીરી વધુ સારી પાર પાડી શકાશે. સરકાર દ્વારા ચૂકવતી ઢોરવાડાની સબસીડ ની રકમ રજીસ્ટર્ડ સંસ્થાઓ/ટ્રસ્ટોને પશુરક્ષા માટે સહાયક બની રહેશે.
સ્ત્રોત-માહીતી બ્યુરો, ભુજ