Home Current કચ્છી સંસ્કૃતિ અને સફેદ રણ ના સૌંદર્ય થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રભાવિત...

કચ્છી સંસ્કૃતિ અને સફેદ રણ ના સૌંદર્ય થી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રભાવિત – પત્ની અને પુત્રી સાથે ટેન્ટસીટી માં રોકાણ

1615
SHARE
પોતાના બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે તેમના પ્રવાસની શરૂઆત આજે કચ્છથી કરી હતી. બપોરે પરિવાર સાથે ગુજરાત પ્રવાસે આવેલા રામનાથ કોવીંદને ભુજના એરપોર્ટ પર રાજ્યમંત્રી વાસણભાઇ આહિર કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને મંત્રી ગણપત વસાવાએ આવકાર્યા હતા હેલીકોપ્ટરથી ધોરડો સફેદરણ પહોંચેલા રાષ્ટ્રપતીએ ત્યાર બાદ ધોરડોમાં કચ્છની સંસ્કૃતિ સફેદરણની ચમક અને કચ્છની હસ્તકળાને નિહાળી હતી. વડાપ્રધાન મોદીની જેમ તેઓએ પણ સફેદરણમા સુર્યાસ્ત સમયે એકલતા માણી હતી અને કુદરતી સૌદર્યથી તેઓ પ્રભાવીત થયા હતા તેમના કાર્યક્રમ દરમ્યાન તેઓ બી.એસ.એફના જવાનોને પણ મળ્યા હતા અને તેમને સન્માનીત કરી પ્રોત્સાહીત કર્યા હતા.

રાષ્ટ્રપતિને અને તેમના પરિવારને કચ્છની સંસ્કૃતિ સુંદરતા મોહી ગઇ

કચ્છના સફેદરણની ચમકથી ભાગ્યેજ કોઇ એવુ હશે જે પ્રભાવિત ન થયુ હોય, સફેદ રણ નું કુદરતી સૌદર્ય અને આબોહવા કઇક અલગ જ અનુભુતી કરાવે છે. ત્યારે કચ્છમાં પ્રથમવાર રાષ્ટ્રપતી તરીકે આવેલા રામનાથ કોવીંદ અને તેમના પરિવારને પણ સફેદરણની ચમક મોહી ગઇ હતી. કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાના નમુના નિહાળ્યા બાદ ટેન્ટસીટીની રોનક નિહાળી,સમી સાંજે તેઓ તેમના પત્ની સવિતા કોવિંદ અને પુત્રી સુશ્રી સ્મિતા કોવિંદ સાથે સફેદરણ પહોચ્યા હતા અને એકાંતની પળો માણી હતી. ઢળતા સુર્ય અને ગુલાબી ઠંડીથી સર્જાયેલા વાતાવરણથી તેઓ પ્રભાવીત થયા હતા. જો કે તેમનો કાર્યક્રમ ખુબજ ગોપનીય રખાયો હતો. પરંતુ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ તેઓએ કચ્છી હસ્તકળાની વસ્તુઓની ખરીદી પણ કરી હતી.

રાષ્ટ્રપતિની કાર રણમા ફસાતા તંત્ર ધંધે લાગ્યુ

સૌદર્યની સાથે કુદરતી રીતે સર્જાતી દલદલની સમસ્યા પણ કચ્છના રણની વિશેષતા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનને પણ સફેદરણના પ્રવાસ દરમ્યાન આવા અનુભવો થયા છે. ત્યારે આજે સફેદરણના પ્રવાસ દરમ્યાન રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદની કાર પણ રણમાં ફસાઇ હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. જો કે તેમના નિયત કાર્યક્રમ બાજુના સ્થળ પર જ હોવાથી તેઓ તુરંત ત્યા પહોચ્યા હતા. પરંતુ પોલિસ સહિત વિવિધ વિભાગો રાષ્ટ્રપતિ ની કાર ફસાઇ જતા ધંધે લાગ્યા હતા. જો કે થોડા સમયમાંજ તેમની ફસાયેલી કાર દલદલમાંથી બહાર કઢાઇ હતી અને નિયમ સમયે તેઓએ તેમનો પ્રવાસ ફરી શરૂ કર્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદ કચ્છના પ્રથમવાર પ્રવાસે આવ્યા છે. જો કે વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેઓએ ગુજરાતમાં પ્રવાસ કરવાનુ નક્કી કર્યુ અને આજે કચ્છના સફેદરણથી તેમની સફર શરૂ થઇ આજે તંબુ નગરીમા રાત્રીરોકાણ સાથે તેઓ સવારે સુર્યોદયના સફેદરણમાં દર્શન કરશે અને ત્યાર બાદ તેઓ સાંસણમાં સિંહદર્શન માટે જશે.