Home Current એક સાથે દસ દસ અર્થીઓ નીકળતા ભુજમાં ગમગીનીનો માહોલ – ઘાયલ નિકિતાનું...

એક સાથે દસ દસ અર્થીઓ નીકળતા ભુજમાં ગમગીનીનો માહોલ – ઘાયલ નિકિતાનું પણ મોત

3749
SHARE
ગઈકાલે ભચાઉ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માત માં ભુજ ના ધોબી પરિવાર એક સાથે દસ સભ્યો ના મોતે માતમ સાથે શોક નો માહોલ સર્જ્યો છે. તમામ મૃતકોના મૃતદેહ સાથે આજે બપોરે ૧૨ વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે એક સાથે ૧૦ અર્થીઓ નિહાળી સૌ હિબકે ચઢ્યા હતા. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, ભુજના પ્રાંત અધિકારી અને નાયબ મામલતદાર, કેમ્પ વિસ્તારના હિન્દૂ, મુસ્લિમો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સ્મશાનયાત્રા માં જોડાયા હતા અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. સમગ્ર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળીને મૃતકોને અંજલી આપી હતી. સ્મશાનયાત્રા ભુજના ખારી નદી સ્મશાનગૃહે પહોંચી હતી જ્યાં મૃતકોને અગ્નિદાહ અપાયો હતો. સમગ્ર ભુજમાં આજે ગમગીનીનો માહોલ અનુભવાયો હતો.

એ ઘાયલ દીકરી નિકિતાનું પણ મોત

ગઈકાલે ભચાઉ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માત માં ભુજ ના ધોબી પરિવાર એક સાથે દસ સભ્યો ના મોતે સમગ્ર ભુજમાં સર્જેલ આઘાત ની હજી કળ વડે તે પહેલાં જ બીજા આંચકાજનક સમાચાર મળ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલી ૧૫ વર્ષીય દીકરી નિકિતા રમેશ કોટિયાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. ઘાયલ થયા બાદ ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ નિકિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. તબીબોના અથાક પ્રયત્નો છતાંયે નિકિતા ને બચાવી શકાઇ નહોતી. આમ, એક સાથે એક જ પરિવારના ૧૧-૧૧ વ્યક્તિઓ અકસ્માતમાં કાળ નો કોળિયો બની ગયા ની ઘટના ખુબ જ આઘાતજનક છે.