કચ્છ યુનિવર્સિટી માં સેનેટ ની ચૂંટણી દરમ્યાન સર્જાયેલ ‘શાહીકાંડ’ બાદ થયેલા વિવાદ ના કારણે રાજકારણ ગરમાયું હતું. પ્રોફેસર ગીરીન બક્ષી હોસ્પિટલમાં દાખલ થયા અને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ રામ ગઢવી, ભાર્ગવ શાહ સહિત ૨૭ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. બીજી બાજુ સેનેટની ચૂંટણીને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સી. બી. જાડેજા દ્વારા કાયદો અને વ્યવસ્થા ના કારણે એકાએક રદ્દ કરી દેવાઈ હતી. એનએસયુઆઈ અને કોંગ્રેસના નેતાઓ એ સરકાર તેમ જ એબીવીપી ના ઈશારે કચ્છ યુનિવર્સિટીએ ચૂંટણી રદ કરી છે એવા આક્ષેપો કર્યા. નારાજ થયેલા કોંગ્રેસી નેતાઓ દિપક ડાંગર અને યશપાલસિંહ જેઠવાએ તરત જ હાઇકોર્ટ માં ફરિયાદ કરી ને સેનેટની ચૂંટણી યોજવા દાદ માંગી. હાઇકોર્ટ માં આ કેસ સંદર્ભે થયેલ કાર્યવાહી વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા દિપક ડાંગર અને યશપાલસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે તેમના તરફે હાઇકોર્ટના એડવોકેટ આશિષ ડગલીએ જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સમક્ષ આ કેસ અંગે રજુઆત કરી હતી. રજુઆત સાંભળી ને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ ૨૮ જાન્યુઆરી ના સમયગાળા પહેલા સેનેટની ચૂંટણી યોજવા કચ્છ યુનિવર્સિટીને મૌખિક આદેશ આપ્યો છે. આ આખાય વિવાદનું મૂળ વિદ્યાર્થીઓ માટેની સેનેટની છ બેઠકો છે.