વીતેલું ૨૦૧૮ નું વર્ષ કેવું ગયું અને આવનારું ૨૦૧૯ નું નવું વર્ષ સારું જાય એવા સંદેશાઓ ની ભરમાર વચ્ચે આજે વાત કરીશું નિરાશાઓ વચ્ચે ટમટમતી આશાભરી જ્યોતની!!
ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાન ચલાવતા ભુજના રફીક મિસ્ત્રી, તેમના પત્ની અને તેમની નાનકડી વ્હાલસોયી દીકરી રોઝીના માટે ૨૦૧૮ અને તેની પહેલાંના ત્રણ વર્ષો ભારે સંઘર્ષ ભર્યા રહ્યા. મિસ્ત્રી દંપતીને ઘેર નાનકડી રોઝીના નો જન્મ થયો અને ત્યારબાદ એક દિવસ રોઝીના ને અચાનક ખેંચ ઉપડી તે ખેંચ તેના હસતા ખેલતા જીવનમાં વાવાઝોડું લઈ આવી નાનકડી રોઝીના નું શરીર જકડાઈ ગયું તેમ જ મગજનો વિકાસ પણ અટકી ગયો. મિસ્ત્રી દંપતી ને રોઝીના ને તબીબી ઈલાજ માટે અથવા અન્ય કારણોસર બહાર લઈ જવી પડે ત્યારે તેને ફરજીયાત તેડવી પડે. મધ્યમવર્ગીય પરિસ્થિતિ ધરાવતા રફીક મિસ્ત્રી ના જીવન માં ચાલતા સંઘર્ષ વચ્ચે તેમનો ભેટો યુવા સામાજિક કાર્યકર મિતેષ એચ. શાહ સાથે થયો. મંદબુધ્ધિની રોઝીના અને તેની શારીરિક વિકલાંગતા માટે મિસ્ત્રી દંપતીને મદદરૂપ બનવું જોઈએ તેવો વિચાર મિતેષ શાહ ને આવ્યો. તેમણે નવા વર્ષ ના પ્રારંભે જ યુવા રાજકીય અને સામાજિક આગેવાન રફીક મારા નો સંપર્ક કર્યો. તેમણે રોઝીના માટે બેબી વ્હીલચેર માટે અને પ્રાથમિક તબીબી સારવાર માટે મદદ કરી. મિતેષ શાહ કહે છે કે, રોઝીના ના અને મિસ્ત્રી દંપતી ના જીવનમાં આ ન્યુ ઈયર થી આવેલા નાનકડા બદલાવે તેમના સંઘર્ષ ભર્યા જીવન માં થોડી ખુશીઓ ભરી દીધી છે. અત્યાર સુધી ૩ વર્ષની રોઝીના ને ઘરમાં ફેરવવા કે બહાર લઈ જવા માટે ઊંચકવી જ પડતી જે કામ તેની મમ્મી માટે મુશ્કેલ હતું પણ બેબી વ્હીલચેર ના કારણે હવે રોઝીના ની હેરફેર કરવા માટે તેની મમ્મી ને પણ સરળતા રહેશે. મંદબુધ્ધિ ની દિવ્યાંગ રોઝીના ભલે પોતે કંઈ સમજી શકતી નથી પણ વ્હીલચેર ના કારણે તે પણ પહેલી જ વાર દોડતી થઈ શકી છે. જોકે, હવે પડકારભર્યું કામ રોઝીના ને ઉભી કરવાનું છે. સામાજિક કાર્યકર મિતેષ શાહ કહે છે કે, રોઝીના ની શારીરિક હાલત જોતા એવું લાગે છે કે, તેની સારવાર લાંબી ચાલશે. રફીક મિસ્ત્રી ના પરિવાર માટે પણ આર્થિક સામાન્ય પરિસ્થિતિ ના કારણે પોતાની એકની એક દીકરી રોઝીના ની લાંબો સમય સારવાર કરવી એ મુશ્કેલ કાર્ય છે. આવા સંજોગો માં રોઝીના ની સારવાર માટે લોકો મદદ કરે તેવી અપીલ યુવા સામાજિક કાર્યકર મિતેષ શાહે કરી છે. ૨૦૧૯ ના ન્યુ ઈયર ના પ્રારંભે માસૂમ રોઝીના ના જીવન માં જેમ નાનકડો બદલાવ આવ્યો છે તેમ તેની સારવાર માટે પણ દાતાઓની મદદ મળશે અને રોઝીના ના જીવનમાં મોટો બદલાવ આવી શકશે એવો મિતેષ શાહ ને વિશ્વાસ છે. (સંપર્ક- મિતેષ એચ શાહ, mob- 9925633766)
થર્ટી ફર્સ્ટ ના ‘સીમ્બા’ એ કર્યા ખુશ
થર્ટી ફર્સ્ટ નો દિવસ અંધશાળા, રિમાન્ડ હોમ અને મહિલા કલ્યાણ કેન્દ્ર ના દીકરા દીકરીઓ માટે પણ ખુશાલી ભર્યો રહ્યો. લગભગ સવાસો જેટલા આ બાળકો માટે ભુજની મોર્ડન સિનેમા મધ્યે ‘સીમ્બા’ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો હતો. મોર્ડન પરિવાર ના મયુર ગોરે આ બાળકો માટે નિઃશુલ્ક ફિલ્મ નો શો યોજવાની સાથે તેમના માટે અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરી હતી. છેલ્લા ઘણા વર્ષો થી સામાજિક કાર્યકર મિતેષ શાહ દ્વારા નાની ઉંમરે સંજોગો ના કારણે સંઘર્ષ કરતા આવા બાળકો ના જીવનમાં તહેવારો પ્રસંગે ખુશી નો રંગ ભરવા આવા વિવિધ આયોજનો કરાય છે. આમ જુવો તો આ વાત તો નાનકડી છે પણ, મિતેષ શાહના શબ્દોમાં જ કહીએ તો, જો આપણા પ્રયત્નો અને નાની વાતો થકી કોઈ ના જીવન માં ખુશી નો રંગ ઉમેરાતો હોય તો આપણે એવા સદ્કાર્યો કરવા જોઈએ.