લાગે છે કે, લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર સામે પડકારો વધી રહ્યા છે. ત્રણ રાજ્યોમાં કિસાનો ની નારાજગી ને પગલે ભાજપે સતા ગુમાવ્યા બાદ અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ કિસાનો ની નારાજગી બહાર આવી રહી છે. ભારતીય કિસાન સંઘ ના નેજા નીચે આજે ભુજમાં કિસાનોએ નર્મદા સહિત ના વિવિધ મુદ્દે સરકાર સામે પોતાની નારાજગી દર્શાવી રેલી સાથે વિરોધ પ્રદર્શન યોજીને જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.
કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ કરેલી માંગણીઓ માં સૌથી મહત્વની રજુઆત નર્મદાના પાણીની છે. કચ્છ બ્રાન્ચ કેનલનું કામ ઝડપથી આગળ વધારીને પેટા કેનલોનું કામ પૂર્ણ કરવા તે માટે બજેટમાં ₹ ફાળવવાની માંગ ખેડૂતો એ કરી છે. કચ્છના વિવિધ તાલુકાઓ માં નર્મદાનું સિંચાઈનું પાણી મળે તે માટે રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ ગયા બાદ આજે ભુજ માં કિસનોએ યોજેલ રેલી રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અન્ય માંગણીઓ માં ખેડૂતોને એકર દીઠ ૧૦ હજાર ₹ ની સહાય આપવા, અછત દરમ્યાન વીજ બિલ ની રકમ માફ કરવા, ફિક્સ ચાર્જ નાબૂદ કરી સમાન વીજ બિલ આપવા, પાક વીમા ની રકમ તાત્કાલિક ચૂકવવા, ખેતી ને લગતા તમામ કૃષિ ઉત્પાદનો માં GST નાબૂદ કરવા, ખેડૂતો અને પશુપાલકોને તેમના ઉત્પાદનો પોષણક્ષમ ભાવો આપવા અને કચ્છ જિલ્લા માં રી સર્વે ની થયેલી કામગીરીમાં રહેલી ક્ષતિઓ સુધારવાની માંગ કરાઈ છે.