કચ્છમાં પ્રથમ જ વખત કોઈ પૂર્વ ધારાસભ્યની થયેલી હત્યાએ કચ્છ સહિત ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલી ગુજરાત ભાજપનુ આમતો એક મોટુ માથુ ગણાય છે. ભાજપના મોટા રાજકીય નેતાઓ સાથેના તેમના સંબધો હમેંશા ચર્ચામા રહ્યા છે. જો કે વર્ષ 2018 નુ વર્ષ તેમના માટે ખુબજ ખરાબ રહ્યુ અબડાસા સહિત કચ્છ અને ગુજરાત ભાજપને મજબુત કરવામાં તેમને વાપરેલી શક્તિ અને ઉભી કરેલી ઇમેજ બધુ એક કથીત સેક્સકાંડ અને એક મહિલા સાથે તેમના સંબધોને લઇને ધોવાઇ ગયું. પણ, તે વિવાદને તેઓ રાજકારણથી દુર રહી શાંત કરી ગયા. શાંત પડેલા એ પાણીમા તેમની હત્યા કરીને કોઇએ પથ્થર નહી પરંતુ આખો પર્વત ફેંકયો. લોકોમાં એ ચર્ચા થઈ રહી છે કે, જેન્તી ભાનુશાલીની હત્યા કોણે કરી અને શા માટે કરી? પરંતુ આંતકવાદી હુમલાના ઇનપુટ મેળવતી ગુપ્તચર એજન્સીઓને ઉંધતી રાખીને થયેલી આ હત્યામા હજુ સુધી તપાસ એજન્સીઓને કોઇ નક્કર કડી મળી નથી. પરિવાર શોક સાથે ત્રાહીત વ્યક્તિઓ તરફ હત્યાની શંકા દર્શાવી રહ્યુ છે. પરંતુ મામલો ગંભીર છે. કેમકે હરેન પંડયા બાદ ગુજરાતમાં જેન્તી ભાનુશાલી બીજા એવા મોટા નેતા છે. જેમની નિર્મમ હત્યા કરી દેવાઇ છે.
જેન્તીભાઈએ હત્યા પૂર્વે અબડાસામાં જાહેર પોગ્રામો માં હાજરી આપી..
છેલ્લા બે દિવસથી જેન્તી ભાનુશાલી કચ્છમાં હતા. તેમણે ૫ મી તારીખે રાતાતળાવ મધ્યે ગૌ સેવાના અર્થે આયોજીત કાર્યક્રમમા હાજરી આપી હતી. જ્યાં તેમણે તેમની અને છબીલ પટેલ વચ્ચે સમાધાન કરાવનાર મનજીબાપુ સાથે દિલ ખોલીને ચર્ચા કરી હતી. અને ત્યાર બાદ ફરી તેઓ ૭ મી તારીખે અમદાવાદ જવા રવાના થયા તે દિવસે સવારે તેમના સ્વર્ગસ્થ પુત્ર ની પુણ્યસ્મૃતિમાં બનેલ કોલેજના કાર્યક્રમ માં હાજરી આપી હતી. ટ્રસ્ટીઓ અને પ્રોફેસરો સાથે બેઠક કરી કોલેજના ત્રીજા વર્ષના છાત્રો સાથે ફોટો પડાવ્યો હતો બાદમાં ભુજ સ્થિત નિવાસ સ્થાને પહોંચીને ત્યાંથી રેલ્વે સ્ટેશન જવા તેમના વર્ષો જુના ડ્રાઇવર સાથે નિકળ્યા હતા. રાત્રે સાડા દસ વાગ્યે ભુજ થી રવાના થયેલી સયાજીનગરી ટ્રેન માં ફર્સ્ટ કલાસ એસીના કોચમાં મુસાફરીના 4 કલાકમાંજ તેમની હત્યાને અંજામ અપાઇ ગયો.
શું હત્યાનો ભેદ ખરેખર ઉકેલાશે કે પછી રહસ્ય રહેશે?
સામાન્ય રીતે લાંબા સમયથી જેન્તીભાઇ અને છબીલભાઇ વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે ગુજરાત ભાજપની છબી ખરડાતા ગુપ્તચર એજન્સીઓ તેમની તમામ ગતીવીધી પર નઝર રાખતી હતી. પરંતુ એ એજન્સીઓ પણ ઉંઘતી ઝડપાઇ અને જેન્તીભાઇ સહિત કોઇએ કલ્પના ન કરી હોય તેવી બીના બની ગઇ. જેન્તીભાઇનો પરિવાર છબીલ પટેલ પર સીધો આક્ષેપ કરી રહ્યો છે. જોકે, છબીલ પટેલ હાલે અમેરિકા છે, પણ તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલે તેમના પરિવાર ઉપર લગાડાયેલ હત્યાના આક્ષેપ નકાર્યા છે. છબીલભાઇ પહેલા મનિષા ગોસ્વામી સાથે જેન્તીભાઈનો 10 કરોડની ખંડણીને લઇને વિવાદ થયો હતો. હત્યાના કારણોના તર્કવતર્ક વચ્ચે જેટલા મોઢા તેટલી વાતો થઈ રહી છે. પરંતુ તે વચ્ચે પ્રશ્ર્ન એ છે. કે શુ ખરેખર જેન્તીભાઇની હત્યાનુ સાચુ કારણ સામે આવશે કે પછી પડદા પાછળથી ખેલાયેલ મોટી ગેમના મોહરા સુધી કેસની તપાસ સીમીત રહેશે ? જો કે, હાલ ગૃહવિભાગની સુચનાથી ATS.CID ક્રાઇમ સહિત મહત્વની તમામ બ્રાન્ચ તપાસમા જોડાઇ છે. પરંતુ સરકાર સામે તેમના જ પક્ષના એક આગેવાન નેતા ની હત્યાનો ભેદ ઉકેલવાનો પડકાર છે.
ઘટનાની પ્રતિક્રીયા આપતા નેતાઓ માટે આ ઘટના લાલબતી સમાન
જેન્તીભાઇનુ સેક્સકાંડમાં નામ ખુલ્યુ તે પહેલા પણ તેઓ અનેકવાર કાયદા વિરૂધ્ધના કામોમાં ચર્ચામા રહ્યા છે. પરંતુ એ બધા વિવાદો વચ્ચે તેમની સેવાકીય પ્રવૃતિને લોકોએ વધુ યાદ રાખી છે. જોકે, મનીષા ગોસ્વામીના ખંડણી પ્રકરણ અને ત્યાર બાદ સુરતની યુવતી સાથેના તેમના કથીત વિડીયો અને ફરીયાદ પછી તેમની ઇમેજને વતેઓછે અંશે ઘસારો પહોંચ્યો હતો. પરંતુ તેમની હત્યાનો શોક તેમના ટેકેદારો, નજીકના આગેવાનો અને પક્ષ ના મોટા રાજકીય નેતાઓ સહિત સૌ કોઇને છે. આ કિસ્સો ગુજરાતના રાજકારણ માટે લાલબતી સમાન છે. કેમકે ગુજરાતમા લાબા સમય બાદ રાજકીય હુંસાતુંસીમાં જાહેરમાં ખુલ્લીને થયેલા એકબીજા ઉપરના આક્ષેપો અને વિવાદો ની ચર્ચા વચ્ચે કોઇ રાજનેતાની નિર્મમ હત્યા થઈ છે. હત્યાના કારણમાં એક શકયતા ધંધાકીય અદાવત અને નાણાની લેવડ-દેવડની હોઈ શકે છે, તેવી પણ ચર્ચા છે. પરંતુ હત્યાની આ ઘટના જો રાજકીય હેતુ થી પ્રેરીત હોય તો ગુજરાતને બિહાર બનતા હવે વાર નહી લાગે. આજે જેન્તીભાઇનો વારો હતો તો કાલે બીજા કોઇનો વારો પણ હોઈ શકે છે.
એસી ફર્સ્ટ કલાસ કોચમાં હત્યા થઈ અને રિવોલ્વરના ભડાકાનો અવાજ પણ ન થયો?
જેન્તીભાઈ જે એસી ફર્સ્ટ ક્લાસના H1 કોચમાં હતા તે માં તેમની બંધ કેબીન માં તેમના સહિત બે જ પ્રવાસીઓ હતા. ફર્સ્ટ એસી ના કોચમાં પ્રવાસી માટે અલગ કેબીન હોય છે અને તે કેબીન અંદરથી બંધ હોય છે, હત્યારો આ બંધ કેબીનમાં કેમ પ્રવેશ્યો? રિવોલ્વર થી જેન્તીભાઈને લમણે અને છાતી માં ગોળીઓ મારી અને બાજુમાં સુતેલા પ્રવાસી પવન મોરે ને ખ્યાલ પણ ન આવ્યો. હત્યારો પ્રોફેશનલ કિલર હોય તે રીતે સાયલેન્સર વાળી રિવોલ્વર થી તેણે ક્રૂર રીતે ઠંડે કલેજે હત્યા કરી? સયાજીનગરી ટ્રેન માં થી હત્યારો ક્યાં ગુમ થઈ ગયો? જેન્તીભાઈ હમણાં ટ્રેન માં અપડાઉન કરે છે તેનાથી હત્યારો માહિતગાર હતો? આવા અનેક પ્રશ્નો છે. હમણાં હમણાં વિવાદો ના કારણે જેન્તીભાઈનું જાહેરમંચ પર કદ ભલે ઘટ્યુ હોય પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુક પૈકીના એક નેતા હોવાના નાતે પક્ષમાં તેમનુ મહત્વ ઘણું હતુ. પરંતુ દરેકની કલ્પના બહાર તેમની નિર્મમ હત્યા કરી દેવાઇ. જેન્તીભાઇએ કરેલા સારા કાર્યો થકી આજે અનેકની આંખો ભીની છે. ભાજપે પણ પોતાનો એક વફાદાર કાર્યકર ગુમાવ્યો છે ત્યારે ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર સામે ઝડપી અને ન્યાયીક તપાસ કરી આ હત્યાનો ભેદ ઉલેલવાનો પડકાર છે.