ઠંડી અને ગરમીની સાથે બદલતા જતા મોસમના મિજાજ વચ્ચે કચ્છ માં ભર શિયાળે માવઠું થયું છે. આમ તો, આજે સવાર થી જ વાદળછાયા વાતાવરણના કારણે સૂર્ય નારાયણના દર્શન થયા નહોતા. ન્યૂઝ4કચ્છના વાંચકમિત્ર રાજુભાઇ કક્કા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે અંજાર અને અંજારના ગ્રામ્ય વિસ્તાર થી વરલી, કોટડા(ચકાર) અને કેરાના રસ્તે અનેક જગ્યાએ છૂટું છવાયું માવઠું થયું છે. ઘણી જગ્યાએ થોડા થોડા પાણી પણ વહી નીકળ્યા હતા. માવઠાની સાથે સાથે ઠંડકનું પ્રમાણ પણ વધ્યું હતું. જોકે, પૂર્વ કચ્છ માં ગાંધીધામ, ભચાઉ, રાપર પંથકમાં પણ છૂટા છવાયા સ્થળોએ માવઠાની અસર વર્તાઈ હોવાનું જાણવા મળે છે.
જાણો, હવામાન વિભાગ શું કહે છે?
કચ્છ માં બદલાયેલા મોસમના મિજાજ અંગે જાણવા ન્યૂઝ4કચ્છએ હવામાન વિભાગનો સંપર્ક કર્યો હતો. કચ્છ ના હવામાન વિભાગના વડા રાકેશકુમારે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમા થયેલી બરફ વર્ષાની અસર કચ્છમાં વર્તાઈ છે. ઉત્તરીય પવનોની અસર તળે વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક માવઠું થયું છે. જોકે, હજી એકાદ દિવસ હવામાનના બદલાવની આ અસર રહેશે, ક્યાંક ક્યાંક માવઠા ની સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે. હવે શું થશે, ઠંડી વધશે? હવામાન અધિકારી રાકેશકુમારના જણાવ્યા પ્રમાણે ઠંડી અને ગરમી બન્નેમાં સાધારણ ફરક જ વર્તાશે. ઠંડીમાં એકાદ ડિગ્રી જ ફરક પડશે તો ગરમી માં પણ એકાદ ડિગ્રી તાપમાન નીચું જશે. વરસાદ અને માવઠાની અસર એકાદ દિવસમાં જ ઓસરી જશે.