Home Current જેન્તી ભાનુશાલી હત્યા કેસ – સરકાર સામે રોષ,ધારાસભ્ય,હિન્દુ મુસ્લિમ સમાજ રસ્તા ઉપર

જેન્તી ભાનુશાલી હત્યા કેસ – સરકાર સામે રોષ,ધારાસભ્ય,હિન્દુ મુસ્લિમ સમાજ રસ્તા ઉપર

3375
SHARE
સમગ્ર ગુજરાત સહિત દેશભર માં ખળભળાટ સર્જનાર ભાજપના નેતા જેન્તી ભાનુશાલીના હત્યારાઓ ૧૫/૧૫ દિવસ થયા નહીં પકડાતા આજે લોકો દ્વારા પોલીસની નિષ્ફળતા અને સરકારની નિષ્ક્રિયતા સામે નારાજગી સાથે ભુજ માં વિશાળ રેલી યોજીને વિરોધ વ્યક્ત કરાયો હતો. ગત તારીખ ૮ જાન્યુ. ના જેન્તી ભાનુશાલી ની ચાલુ ટ્રેને કરાયેલી કરપીણ હત્યા બાદ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સતત પોલીસ અને સરકાર પાસે જેન્તીભાઈ ના હત્યારાઓ ને ઝડપી પાડવા રજૂઆતો થતી રહી હતી. રાજ્ય સરકારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની બનેલી સીટ ની રચના કરી તપાસ ના આદેશો પણ આપ્યા હતા. જે અંતર્ગત સીઆઇડી ક્રાઈમ, રેલવે અને એટીએસ ના બાહોશ પોલીસ અધિકારીઓ એ તપાસ શરૂ કરી હતી, તેમ છતાં ૧૫ દિવસ થઈ ગયા જેન્તીભાઈ ના હત્યારાઓ ને ઝડપાયા નથી. એટલે આજે ભુજ માં લોકોએ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી ને પોલીસની નિષ્ફળતા તેમ જ સરકારની નિષ્ક્રિયતા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જાહેર માર્ગ ઉપર થી રેલી સ્વરૂપે નીકળેલા લોકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, અહીં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ને હત્યારાઓ ને ઝડપી પાડવા માંગ કરાઈ હતી.

ભાજપ ના મોટા માથાઓના માનીતા જેન્તીભાઈના હત્યારાઓ કેમ ઝડપાતા નથી?

કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી ભાજપ ના મોટા માથાઓ ની નજદીક હતા. એટલે જ જેન્તીભાઈ ભાજપના અબડાસા વિસ્તારના એક સામાન્ય કાર્યકર માં થી ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ અને સ્ટીલ ઓથોરિટી ના કેન્દ્ર ના ડાયરેકટર સુધી પહોંચ્યા હતા. પરંતુ તેમની હત્યા ના ૧૫ દિવસ સુધી કોઈ ઠોસ કાર્યવાહી નહીં થતા લોકો આજે રસ્તા ઉપર ઉતર્યા હતા. વિરોધ પ્રદર્શન પૂર્વે સૌ એ ક્રાંતિવીર શ્યામજી ને વંદન કર્યા હતા. આ વિરોધ માં અબડાસા ના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ઇકબાલ મંધરા ભાજપના ના આગેવાનો પરેશસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જીગર છેડા, ભાનુશાલી દેશ મહાજન ના પ્રમુખ પ્રવિણ પટેલ, ઉપપ્રમુખ શંભુભાઈ નંદા, અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રા, આ ઉપરાંત ક્ષત્રિય, જૈન, લોહાણા, મુસ્લિમ, રબારી,  ભાનુશાલી સમાજ ના લોકો સહિત અબડાસા સહિત સમગ્ર કચ્છ, અમદાવાદ અને મુંબઈ થી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

ટ્રાફિક જામ વચ્ચે રાજકીય બેનરે સર્જી ચર્ચા..

જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે વિશાળ રેલી ના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલી દરમ્યાન લોકો વચ્ચે એવી પણ ચર્ચા હતી કે, ભાજપ ના જ શાસન માં ભાજપના જ નેતા ની હત્યાના હત્યારાઓ ને શોધવા માટે રેલી કાઢવી પડે તે વાત ને ભાજપ પક્ષ માટે શરમજનક ગણાવી હતી. તો, રેલી દરમ્યાન જેન્તી ભાનુશાલી સાથે સંકળાયેલી વીડિયો ક્લિપ્સ અને છબીલ પટેલ ની ઓડિયો ક્લિપ્સ ની પણ ચર્ચાઓ હતી. કચ્છ માં વર્ચસ્વ ધરાવતા ભાજપ ના નેતા જેન્તીભાઈ ના હત્યારાઓ નહી ઝડપાતા રાજકીય રીતે પણ વિરોધ વ્યક્ત કરતા રાજકીય બેનર દ્વારા હવે ૨૦૧૯ મા દોઢ લાખ મત કોંગ્રેસને મળશે એવી ચીમકી પણ અપાઈ હતી. જોકે, છેલ્લા ૨૫ વર્ષ થી કચ્છમાં ભાજપ માટે પોતાની જાત ને ઘસી નાખનાર મૃતક જેન્તી ભાનુશાલી ના હત્યારાઓ ને પકડવા ની માંગ સાથે નીકળેલી આ રેલી અને વિરોધ માં કચ્છ ભાજપ ના આગેવાનો ની ગેરહાજરી જોવા મળી હતી. જોકે, અનેક કાર્યકરો આ રેલી માં જોવા મળ્યા હતા.