Home Current સેડાતા મધ્યે રાજયકક્ષાનું ૪૬મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મૂકાયું

સેડાતા મધ્યે રાજયકક્ષાનું ૪૬મું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મૂકાયું

923
SHARE
વિદ્યાર્થીઓએ અનેક વિષયો ઉપર ઇનોવેશનનું કામ કર્યું છે અહીં બેઠેલા વિદ્યાર્થીઓમાં હું બાળ વિજ્ઞાની જોઇ રહ્યો છું. દરેક બાળકમાં પ્રતિભા રહેલી હોય છે, એને જો યોગ્ય તક મળે તો બહાર આવે છે, તેમ આજે ભુજ-મુંદરા માર્ગે સેડાતા પાસેના સૂર્યા વરસાણી સંકુલમાં ‘‘જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો’’ના વિષય ઉપર ૪૬માં રાજય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લું મૂકવાના અવસરે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. સૂર્યા વરસાણી સંકુલ ખાતે જીસીઇઆરટી,ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમભવન, ભુજ અને જિલ્લા પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરી સહિત સૂર્યા વરસાણી એકેડેમીના સંયુકત ઉપક્રમે આજે રાજય વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૮-૧૯નું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.
કાર્યક્રમના અધ્યક્ષીય ઉદ્દબોધનમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,  આજના સમયમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણનું ખૂબ મહત્વ છે. ભણેલ-અભણ  એમ બંનેને ગણિતની જરૂર પડે છે વિજ્ઞાન માનવને કયાંથી કયાં લઇ ગયું છે. વિજ્ઞાન આપણને જીવનમાં  ઉકેલ સાથે સરળતા અને સગવડતા પણ આપે છે, તેમ જણાવી રાજયભરમાંથી ઉપસ્થિત રહેલા બાળક વિજ્ઞાનીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે બી.કે.ભેદા વિદ્યાલય, ગોધરા-માંડવીની સરકારી શાળાના નવનિર્મિત મકાનનું તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ વેબ એપ્લીકેશનના ઇ-લોકાર્પણ કરાયું હતું અને શિક્ષણમંત્રીશ્રીની સાથે રાજયમંત્રીશ્રી વાસણભાઈ અને મંચસ્થ મહાનુભાવાનોના હસ્તે મોડેલ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું. બાદમાં વિનોદભાઈ શિયાણી અને રવિભાઈ શિયાણીના હસ્તે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ. રપ હજારનો ચેક શિક્ષણમંત્રીશ્રીને અર્પણ કરાયો હતો.આ પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરે જ્ઞાનની ૨૧મી સદીમાં કચ્છને રાજયકક્ષાનો વિજ્ઞાનમેળાનો અવસર આપવા બદલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માની રાજયભરમાં નામના ધરાવતી વરસાણી એકેડેમીની પસંદગી થવા બદલ પણ શિક્ષણ વિભાગને અભિનંદન આપ્યાં હતા. તેમણે આધુનિક યુગમાં વિજ્ઞાનની સાથે સંસ્કૃતિ અને વિરાસત સચવાય તે જરૂરી હોવાનું જણાવી સમગ્ર રાજયમાંથી કચ્છ આવેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.
પ્રાસંગિક ઉદ્દબોધનમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ભુજના આંગણે બાળ વિજ્ઞાનીઓ દ્વારા વિચારો અને આંતરિક પ્રેરણાથી કૃતિનું ખૂબ મહેનત સાથે સર્જન કરાયું છે ૪૦૦થી વધારે કૃતિઓ આજે કચ્છના આંગણે યોજાઇ રહેલા વિજ્ઞાનમેળામાં રજૂ કરાતાં કચ્છના વિદ્યાર્થીઓને પણ બધુ જોવા-જાણવા-શીખવાનો મોટો લાભ ચોકકસ મળશે. રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી આવડત-ગુણવત્તા પ્રજા સમક્ષ મૂકવા માટે મોટામાં મોટી તક આ ગણિત-વિજ્ઞાન મેળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે.
આ પ્રસંગે સેડાતા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે વિજ્ઞાન મેળાના આયોજનમાં બજાવેલ કડીરૂપ કામગીરી બદલ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે તેમનું સન્માન કરાયું હતું સેડાતા ગામની દીકરી રાઠોડ સાયનાબેનનું પણ શિક્ષણમંત્રી હસ્તે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિ.પ. ઉપાધ્યક્ષા નિયતિબેન પોકાર, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી,  શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, ભુજ પ્રાંત આર.જે.જાડેજા, સેડાતાના સરપંચ નિયામતબાઇ રાઠોડ, ટ્રસ્ટીઓ આર.આર.પટેલ, આર.એસ.હિરાણી, વસંતભાઈ , જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ, જીસીઇઆરટીના પી.એન.મોદી, મહેન્દ્ર ચોટલીયા, અશ્વિન સુથાર, ડો. રક્ષાબેન ઉપાધ્યાય, કમલેશ મોતા, સ્નેહાબેન રાવલ, ભરતભાઈ સંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ઠાકર તેમજ સ્નેહલભાઈ વૈદ્ય દ્વારા કરાયું હતું જયારે આભારદર્શન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કર્યું હતું.

સ્ત્રોત : માહિતી બ્યુરો