ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસનું કોકડું ઉકેલવા ગુજરાત પોલીસ ધંધે લાગી છે. હત્યાના એક મહિનામાં પોલીસે જેન્તી ભાનુશાલીની હત્યા કેસના ષડ્યંત્રનો પર્દાફાશ તો કરી નાખ્યો છે, પણ હવે આ હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં ગુજરાત પોલીસ સફળ થઈ શકી નથી. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા જેન્તી ભાનુશાલી હત્યા કેસના કચ્છમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભાજપના નાના માં નાના કાર્યકર થી માંડીને ભાજપના સૌથી મોટા ગજાના કદાવર નેતાઓ સાથે ઘરોબો રાખનાર જેન્તી ભાનુશાલીની હત્યાના મુખ્ય આરોપીઓને ઝડપવાનો મોટો પડકાર ભાજપની સરકાર સામે છે. જોકે, એક મહિના દરમ્યાન પોલીસે હત્યાનું કાવતરું જ્યાં રચાયું હતું તે રેલડી (ભુજ)ના નારાયણ ફાર્મમાં તપાસ કરીને છબીલ પટેલના બે ભાગીદારો નીતિન અને રાહુલ પટેલની ધરપકડ કરી તેમના રિમાન્ડ દરમ્યાન મહત્વની કડીઓ મેળવી છે. જેન્તી ભાનુશાલીની હત્યા બાદ સુનિલ ભાનુશાલીએ પાંચ વ્યક્તિઓ સામે એફ.આઇ.આર. દાખલ કરાવી ત્યારે જ મુખ્ય આરોપી તરીકે છબીલ પટેલ સામે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો. જોકે, તપાસનીશ પોલીસ એજન્સીઓ વતી સીઆઇડી ક્રાઇમના એડી. ડી.જી. અજય તોમરે છબીલ પટેલની સંડોવણી હોવાનું સ્પષ્ટ કર્યા બાદ હત્યા કરનાર શાર્પ શૂટરો સહિત છબીલ પટેલ હજી સુધી પોલીસની પક્કડથી દૂર છે. હત્યાના બનાવ પૂર્વે જ છબીલ પટેલ વિદેશ ગયા હોઈ હવે પોલીસે તેમની ધરપકડ કરવા કાનૂની જંગ શરૂ કર્યો છે.
ધારાસભ્ય રહી ચૂકેલા છબીલ પટેલ અન્ય ગુનેગારોની જેમ નાસી છૂટ્યા?
જેન્તી ભાનુશાલીની હત્યા બાદ આરોપી તરીકે જ્યારે છબીલ પટેલનું નામ ઉછળ્યું ત્યારે સિદ્ધાર્થ છબીલ પટેલ દ્વારા હત્યા માં સંડોવણી અંગે પોતાના પિતાના નામને રદિયો આપીને તેઓ અમેરિકા ગયા હોવાનું જણાવાયું હતું. જોકે, છબીલ પટેલ અમેરિકા નહીં પણ મસ્ક્ત ગયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેન્તી ભાનુશાલીની હત્યાના અન્ય આરોપીઓ મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, બે શાર્પ શૂટરો, છબીલ પટેલ એ તમામને પોલીસ પકડી શકી નથી. પણ, હવે વિદેશ રહેલા છબીલ પટેલને ઝડપવા પોલીસે કાયદાકીય ગાળીયો તૈયાર કરવાનું શરૂ કર્યું છે. તે અનુસાર રેલવે પોલીસે ભચાઉ કોર્ટમાં કલમ ૭૦ હેઠળ છબીલ પટેલને પકડવા માટે વોરન્ટ ઇસ્યુ કરવા અરજી કરી છે. કલમ ૭૦ અનુસાર કોર્ટ દ્વારા વોરન્ટ ઇસ્યુ કરાયા બાદ છબીલ જ્યાં હોય ત્યાંથી પોલીસ તેની ધરપકડ કરી શકે છે. વિદેશ માંથી છબીલની ધરપકડ રેડ કોર્નર નોટિસનો માર્ગ ગુજરાત પોલીસ માટે મોકળો થશે. જોકે, સૌથી મોટી ચર્ચા એ છે કે, ધારાસભ્ય રહી ચૂકેલા છબીલ પટેલ અન્ય ગુનેગારોની જેમ વિદેશ માં કેમ નાસી છૂટ્યા છે? વોરન્ટ ઇસ્યુ કરવાના મુદ્દે મંગળવારે ભચાઉ કોર્ટમાં સુનાવણી થશે.