ભાજપના નેતા જેન્તીભાઈ ભાનુશાલીની કરપીણ હત્યાને ૪૦ દિવસ થયા. બહુચર્ચિત બનેલ આ હત્યાનો ભેદ ઝડપભેર ઉકેલાય અને હત્યારાઓ ઝડપાઇ જાય તે માટે ગુજરાત પોલીસના ૭ જેટલા આઇપીએસ અધિકારીઓ અને ડઝનબંધ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ આ હત્યાના તાણાવાણા ઉકેલવામાં વ્યસ્ત છે. જોકે, સઘન પોલીસ તપાસ વચ્ચે અત્યાર સુધી એક વાર પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર માહિતી આપી છે. જેમાં આ હત્યાના ષડ્યંત્રને મનીષા ગોસ્વામી, છબીલ પટેલ, સુરજીત ભાઉ તેમ જ બે શાર્પ શૂટરો દ્વારા કઈ રીતે અંજામ અપાયો તે વિશે પોલીસે માહિતી આપી હતી. ત્યાર બાદ છબીલ પટેલના ભુજના રેલડીના નારાયણ ફાર્મના બે ભાગીદારો નીતિન અને રાહુલ પટેલની ધરપકડ કરાઈ. પોલીસ ની થિયરી પ્રમાણે શાર્પ શૂટરો છબીલ પટેલ સાથે નારાયણ ફાર્મ આવ્યા હતા. અહીં રોકાયા હતા. તેમ જ જેન્તીભાઈની હત્યા કરતા પહેલા તેમણે રેકી કરી હતી જેમાં છબીલ પટેલ અને તેના ભાગીદારો સહયોગી બન્યા હતા. હત્યામાં મનીષા ગોસ્વામી તેમ જ સુરજીત ભાઉ પણ સામેલ હોવાનું પોલીસે જાહેર કર્યું હતું. જોકે, લોકો માં થતી ચર્ચા પ્રમાણે ભાજપની જ સરકાર હોવા છતાંયે ભાજપના નેતાના આ હત્યા કેસની તપાસ ધાર્યા કરતાં ધીમી થઈ રહી છે. તો, બીજી બાજુ પોલીસ ધીમે ધીમે એક પછી એક પગલાં ભરી આગળ વધી રહી છે.
છબીલ પટેલની ઓડિયો ટેપ વચ્ચે બે શાર્પ શૂટરો ઝડપાયા
પોલીસે છબીલ પટેલ વિરુદ્ધ કલમ ૭૦ હેઠળ અરજી કરીને તેમની ધરપકડનો માર્ગ મોકળો કર્યો. તે દરમ્યાન છબીલ પટેલની ઓડિયો કલીપ વાયરલ થઈ. જોકે, ગુજરાત પોલીસ માં વિશ્વાસ વ્યક્ત કરવાનું કહીને છબીલ પટેલે પોતે વિદેશ હોવાનું જણાવ્યું પણ વિદેશમાં પોતે ક્યાં છે ? તે વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું. હા, પોતાની નિર્દોષતાની વાત કરી તેમણે સામે થી પોલીસ સમક્ષ હાજર થવાની વાત પણ કરી. જોકે, સમય વિશે તેમણે કંઈ કહ્યું નહીં. દરમ્યાન ફરી એક વાર પોલીસ તપાસ ધીમી હોવાનો લોકોમાં ગણગણાટ શરૂ થયો. જોકે, આ ગણગણાટ મોટો બને તે પહેલા જ બે શાર્પ શૂટરો ડાંગ જિલ્લા માં થી ઝડપાયા હોવાની માહિતી મળી છે. જેન્તી ભાનુશાલી ને ચાલુ ટ્રેને ગોળી મારનાર શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખ ઝડપાયા. પણ, પોલીસે હજી સતાવાર સમર્થન આપ્યું નથી. તો, બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે, બન્ને શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખ સામે થી હાજર થયા છે. આ હાઇપ્રોફાઇલ હત્યા કેસમાં હજી મુખ્ય કાવતરાખોર મનીષા ગોસ્વામી તેની સાથે સુરજીત ભાઉ ની ધરપકડ હજી બાકી છે. છબીલ પટેલ પણ કાયદાની નજરમાં ભાગેડુ છે.