Home Current વંદે માતરમ – શહીદ સૈનિકો માટે રાજગોર સમાજ અને ભુજ સ્વામિનારાયણ મંદિરે...

વંદે માતરમ – શહીદ સૈનિકો માટે રાજગોર સમાજ અને ભુજ સ્વામિનારાયણ મંદિરે કરેલી પહેલ વિશે જાણો

1184
SHARE
પુલવામામાં શહીદ થયેલા સૈનિકોના પરિવાર માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલીના કાર્યક્રમોના કચ્છમાં અનેક આયોજનો થયા અને હજી પણ થઈ રહ્યા છે. તે વચ્ચે શહીદ સૈનિકોના પરિવારોને મદદરૂપ બનવા માટે ભુજમાં થયેલી પ્રેરણાદાયી પહેલ વિશે જાણીએ.

સમૂહલગ્ન ના આયોજન સાથે ભુજ રાજગોર સમાજે કરી એવી પહેલ કે જે જાણીને આપ પણ કહેશો વાહ!!

૩૮માં સમૂહલગ્ન પ્રસંગે ૧૩ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભુજ રાજગોર સમાજના આ વખતના સમૂહલગ્ન વિશિષ્ઠ બની રહયા. તેનું કારણ સમાજના ૬ હજાર થી વધુ લોકો માટે બુફેના બદલે બેઠક વ્યવસ્થા સાથેનો જમણવાર યોજાયો. તે સિવાયની બીજી પહેલમાં સમૂહલગ્ન પ્રસંગે શહીદ સૈનિકોના પરિવારોને મદદરૂપ બનવા માટે અપીલ કરીને એક અલાયદું કાઉન્ટર રખાયું હતું. આ અપીલને સમાજના લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હોવાનું ભુજ રાજગોર સમાજના ભરત ગોર અને સંદીપ ગોરે જણાવ્યું હતું કે, ૨ લાખ ૧૧ હજાર રૂપિયાનું ફંડ એકઠું થયું હતું. આગલે દિવસે યોજાયેલ લોકડાયરા માં “મા ભારતી”ની રક્ષા માટે શહીદ થતાં વીર જવાનોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ત્રમ્બકેશ્વર પાર્ટી પ્લોટનું સમાજરત્ન રેવાશંકર નરભેરામ માકાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સમૂહલગ્નની વ્યવસ્થામાં ભુજ સમાજના પ્રમુખ જનકરાય ઉમિયાશંકર નાકર, ઉપપ્રમુખ ચંદ્રકાન્ત વિસનજી બાવા, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ બંસીલાલ માવજી માલાણી અન્ય સદસ્યો, અલગ અલગ ગામના કમિટી સદસ્યો તેમજ આગેવાનો, દાતાશ્રીઓ સહયોગી બન્યા હતા.

સંતોએ છુટ્ટા હાથે દાનની સરવાણી વહેવડાવી સરહદના સંત્રીઓ તરફ વ્યક્ત કરી સંવેદના

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને ભાવભેર અંજલી અર્પણ કરાઈ હતી. મહંતશ્રી ધર્મનંદનદાસજી, પાર્ષદશ્રી જાદવજી ભગત, મંદિરના અન્ય વરિષ્ઠ સંતો, ટ્રસ્ટીઓ, હરિભક્તો અને છાત્રોની ઉપસ્થિતમાં બે મિનિટનું મૌન પાળી, ભગવાનની ધૂન બોલાવીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. મહંતશ્રી ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું કે, કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનોને મદદરૂપ બનવા મંદિર દ્વારા અગાઉ પણ અનેકવિધ કાર્યો કરાયા છે. પુલવામામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારો માટે ભુજ મંદિર દ્વારા ૧૧ લાખ ૧૧હજાર ૧૧૧ના અનુદાનની જાહેરાત મહંતશ્રી ધર્મનંદનદાસજીએ કરી હતી. સાથે સાથે તેમણે દેશ વિદેશના સ્વામિનારાયણ મંદિરોને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવા તેમ જ શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ બનવા માટે ફંડ આપવાની અપીલ કરી હતી.