જયેશ શાહ.ગાંધીધામ:
મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનનાં કબજાવાળા કાશ્મીરમાં ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામા આવેલી કાર્યવાહી બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાને ગુજરાતનાં સરહદી જીલ્લા કચ્છની બોર્ડર ઉપર ટેન્ક રેજીમેન્ટ ગોઠવવાનું શરૂ કરી દીધું હોવાના અહેવાલ મળી રહ્યાં છે આ ઉપરાંત ક્રીક તથા રણ સીમાએ પાક રેન્જર તથા તેમની આર્મીની કૂમક પણ ખડકાઈ રહી હોવાના ઇનપુટ મળી રહ્યાં છે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ હલચલમાં આજે સવારે ભારત દ્વારા કરવામા આવેલી કાર્યવાહી બાદ વધારો થયો હોવાના પણ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળી રહ્યાં છે.
બોર્ડર ડિસ્ટ્રિક્ટ કચ્છની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પાકિસ્તાન દ્વારા માત્ર અડધો કિલોમીટર દુર આવેલી તેની વિવિધ પોસ્ટ ઉપર સૈન્યનો જમાવડો કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન દ્વારા માત્ર રણ સીમાએ જ નહીં પરંતુ કચ્છનાં ક્રીક એરિયામાં પણ હલચલ વધારી દીધી હોવાનું ભારતીય ગુપ્તચર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતુ.
ઇન્ડિયન ઇન્ટેલિજન્સ ઈનપુટ પ્રમાણે, પાકિસ્તાને તેનાં ક્રીક એરિયાને માછીમારો ઉપરાંત સામાન્ય લોકો માટે બ્લોક કરી દીધો છે તથા તેની અંદર આવેલા વોચ ટાવર ઉપર રાત-દિવસ ચોકી કરી શકાય તે માટે પાક મરીનનાં જવાનોને તૈનાત કર્યા છે સામાન્ય સંજોગોમાં આ વોચ ટાવર ખાલી રહેતા હતાં પાકિસ્તાન હસ્તકની સરક્રીક તેમજ પાઈ ક્રીક, નલ-મલ ક્રીક, ખડાઉ બંદર એરિયા તથા ડાફા સહિતના એરિયામાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી તેમજ પાક નેવીનાં ડોલ્ફિન કમાન્ડોને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ
ક્રીક બોર્ડર એરિયાની જેમ કચ્છની રણ સીમાએ પણ પાકિસ્તાન રેંજર તેમજ પાક આર્મીની મુવમેન્ટ અસામાન્ય રીતે વધી હોવાનું ઇન્ટેલિજન્સ એજન્સીઓને ઇનપુટ મળી રહ્યાં છે કચ્છનાં વિધાકોટ બોર્ડર પીલર નંબર 1111ની સામે માત્ર અડધો કિલોમીટર દુર આવેલી પાકિસ્તાનની વીંધી પોસ્ટ ઉપર બદિનનાં કેન્ટથી મંગળવાર સવારથી પાક સૈન્યનો કાફલો આવી રહ્યો હોવાનાં પણ ઇનપુટ મળ્યા છે
કચ્છની સાવ નજીક સામે પાર પાકના સિંધ પ્રાંતના ગફલો, પાનેલી, જતલી અને બલિહારી એરિયામાં પણ પાકિસ્તાન આર્મીનો કાફલો કચ્છ બોર્ડર તરફ આવતો હોવાના ફોટા સહિતના ઇનપુટ ભારતને મળ્યા છે.