Home Crime જેન્તી ભાનુશાલીની હત્યામાં છબીલ સિવાય બીજા કોને રસ હતો? – ભચાઉ કોર્ટમાં...

જેન્તી ભાનુશાલીની હત્યામાં છબીલ સિવાય બીજા કોને રસ હતો? – ભચાઉ કોર્ટમાં શું થયું? જાણો

2488
SHARE
જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ બાદ તેની વધુ પૂછપરછ માટે તેને આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. હત્યા બાદ ૬૫ દિવસે પોલીસના હાથમાં આવેલા છબીલ પટેલ બબ્બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હોવા છતાં પણ પોતાના દેશના કાયદાથી બચવા ભાગતા રહ્યા અને અંતે સરકાર તેમજ પોલીસની ભીંસ વધ્યા બાદ શરણે આવ્યા. જોકે, અંતે તો કોઈ પણ ગુનેગાર કરતા કાયદાના હાથ લાંબા હોય છે, એવું જ છબીલનું થયું અને તેણે અમેરિકાના ન્યુજર્સીથી ફરી અમદાવાદની વાટ પકડી અને પોલીસનું શરણું સ્વીકાર્યુ. પોલીસે અમદાવાદ એરપોર્ટ ઉપર થી તેની અટક કર્યા બાદ પ્રાથમિક પૂછપરછ કરી તેની વિધિવત ધરપકડ કરી વધુ ઝીણવટભરી તપાસ માટે ૧૪ દિ’ ના રિમાન્ડની માંગણી સાથે ભચાઉ કોર્ટ માં રજૂ કર્યા હતા.

જાણો ભચાઉ કોર્ટ માં શું થયું?

પોલીસ દ્વારા છબીલની પૂછપરછ કરવા માટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણીના સંદર્ભમાં એવી દલીલ કરાઈ હતી કે જેન્તી ભાનુશાલીની હત્યા કેસની ઝીણવટભરી તપાસ માટે ૨૨ જેટલા મુદ્દાઓના જવાબ મેળવવા છબીલની ઘનિષ્ઠ તપાસ કરવી જરૂરી છે. કોર્ટ દ્વારા પોલીસની માંગણીના જવાબમાં ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ ૨૨ મુદાઓની વાત કરીએ તો, જેન્તી ભાનુશાલી હત્યા કેસની તપાસમાં છબીલની પ્રાથમિક પૂછપરછ પછી એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. જેના મૂળમાં પોલીસ જવા માંગે છે. એ ટર્નિંગ પોઇન્ટ એ છે કે, છબીલની પાછળ પણ બીજું કોઈ એવું મોટું માથું છે કે, જેને જેન્તી ભાનુશાલીની હત્યામાં રસ હતો. આ બીજું મોટું માથું કોણ? જે શાર્પ શૂટરો સાથે જેન્તી ભાનુશાલીની હત્યા માટે ૩૦ લાખ ₹ માં સોદો કરાયો હતો તે રકમ ચૂકવવા માટે અન્ય કયા મોટા માથાએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી? મનીષા ગોસ્વામી અને છબીલની મુલાકાત કોણે ગોઠવી? સુરજીત ભાઉ સાથે છબીલની ઓળખ કોણે કરાવી? કોના કહેવાથી જેલમાં રહેલ મનીષાની સાથે છબીલે મુલાકાત કરી? વિશાલ કામ્બલે, શશીકાંત કામ્બલે, અશરફ શેખ સાથે જેન્તીભાઈની હત્યા માટે છબીલે મુલાકાત કરી તે વિશે બીજા કોને જાણકારી હતી? અને એ શખ્સની ભૂમિકા શું હતી? મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, છબીલ પટેલની સાથે જેન્તી ભાનુશાલીની હત્યા કરવાના ષડ્યંત્ર વિશે અન્ય કોને જાણકારી હતી? હત્યાના બનાવ બાદ કોણે છબીલ અને સિદ્ધાર્થને પોલીસ સમક્ષ હાજર થતા રોક્યા અને ભાગતા રહેવાની સલાહ આપી? કલીપીંગ્સ વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયામાં જે હોબાળો થયો તેમાં કોની સામેલગીરી હતી? પોલીસ સમક્ષ છબીલે કરેલી વાતો અને હત્યાને લગતી તપાસ બાદ પોલીસ એવું માની રહી છે કે, પડદા પાછળ છબીલ ની સાથે બીજાની પણ સામેલગીરી છે. હવે આ બીજું કોણ? શું આ બીજા શખ્સને જેન્તી ભાનુશાલી તેમજ છબીલ પટેલના આંતરિક ઝઘડા અને આ ઝઘડાને કારણે થયેલ હત્યાના બનાવથી કોઈ લાભ હતો? આવા અનેક મુદ્દે પોલીસ જવાબ મેળવવા ઈચ્છે છે અને આ જવાબ રિમાન્ડ દરમ્યાન જો છબીલ ની પૂછપરછ કરાય તો મળી શકે. જોઈએ હવે ૧૦ દિવસ ના રિમાન્ડ દરમ્યાન છબીલની પૂછપરછ બાદ પોલીસ તપાસમાં શું નવો ધડાકો થાય છે.