બેંક સાથે છેતરપિંડી કરવા માટે ચર્ચામાં રહેલા અને બોગસ દસ્તાવેજોના આધારે લોન લેનાર મૂળ ભુજના અને હાલે અમદાવાદ રહેતા સંદીપ કૃષ્ણકાંત વૈષ્ણવને માંડવી કોર્ટે ૫ વર્ષની સજા અને ૧૦ હજાર ₹ દંડ ફટકાર્યો છે. માંડવી પોલીસ સ્ટેશનમાં મેનેજર લલિત ભગવાનદાસ કોટક દ્વારા નોંધાવાયેલી ફોજદારી ફરિયાદ પ્રમાણે સંદીપ કૃષ્ણકાંત વૈષ્ણવે પંજાબ નેશનલ બેંકની શાખામાં થી બોગસ દસ્તાવેજો રજૂ કરીને લોન મેળવી હતી. ખેડૂત ન હોવા છતાંયે ખેડૂત તરીકેના દસ્તાવેજો રજૂ કરી સંદીપ કૃષ્ણકાંત વૈષ્ણવે માંડવી તાલુકાના બીદડા ગામની ખેતીની જમીન સર્વે ન. ૯૪૩/પી-૯૧, ૧૨૮/૧, ૨૬૯/પી-૨, ૨૯૮/સી-૨૪ ને પંજાબ નેશનલ બેંક માં થી ૩ લાખ ₹ ની લોન મેળવી હતી. માંડવી કોર્ટમાં આ અંગે ચાલેલા કેસમાં એડિશનલ ચીફ જ્યૂડીશીલ મેજિસ્ટ્રેટ એન. જી. પરમારે ૧૪ સાક્ષીઓ અને ૭૬ દસ્તાવેજી પુરાવાઓ તપાસીને સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફ એપીપી નવીન જોશીએ દલીલો કરી હતી.