કચ્છના અંતરીયાળ વિસ્તાર માટે 108 ની સેવા ખરા અર્થમાં જીવાદોરી સમાન બની છે. તો ઘણા કિસ્સાઓ માં 108 ની ટીમ પ્રમાણિકતાની મિશાલ પણ બની છે. ભુજ 108 ની ટીમ નો આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો બહાર આવ્યો છે. ભુજ નિરોણા વચ્ચે પાલનપુર ગામ પાસે ભેંસ સાથે બાઇક અથડાતાં સર્જાયેલા અકસ્માત માં ઝુરા ગામના ૩૫ વર્ષીય યુવાન બાઈક ચાલક ગજુભા શ્યામજી જાડેજાને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અંગે 108 ને હેલ્પલાઇન ઉપર કોલ મળતાં લોકેશનને આધારે ભુજ 108 ની ટીમના ઈએમટી દિગ્વિજય દહિમા અને પાયલોટ દિગ્વેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તરત જ તેમણે ઈજાગ્રસ્ત બાઈક ચાલક ગજુભાને ભુજની એકોર્ડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. આ સમયે 108 ની ટીમના દિગ્વિજય દહિમા અને પાયલોટ દિગ્વેશ પટેલે ઇજાગ્રસ્ત ગજુભા પાસે થી મળી આવેલ રોકડ રકમ, મોબાઈલ ફોન તેમ જ અગત્યના દસ્તાવેજો તેમના કાકા સુલતાનજી જાડેજાને સોંપી ને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઇજાગ્રસ્ત યુવાનના પરિવાર વતી તેના કાકાએ ભુજ 108 ની સેવાને પોતાના ભત્રીજા માટે નવુ જીવન આપનારી અને પ્રમાણિકતાના ઉદાહરણ સમી ગણાવી ટીમ 108 પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.