સામાન્ય રીતે રાજકીય નેતાઓનું હૃદય કઠણ હોય છે, પણ પી.એમ.ના નામે લોકોમાં જાણીતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સંવેદનશીલ રાજકારણી તરીકેની છાપ ધરાવે છે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં તેઓ હંમેશા પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણ માટે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. પવનચક્કીઓના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર અને પર્યાવરણના નીકળતા ખો ના કારણે તેઓ ભુજ મધ્યે કલેકટર કચેરી સામે ઉપવાસ ઉપર પણ ઉતરી ચુક્યા છે. તો, થોડા સમય પહેલા તેઓ પોતાના મતવિસ્તારના પ્રવાસમાં હતા ત્યારે તેમને કૂવામાં પડેલી એક ગાય વિશે જાણ થતાં તેઓ ગૌ માતાનો જીવ બચાવવા પણ મદદરૂપ બન્યા હતા. આજે તેમના પ્રવાસ દરમ્યાન આવો જ એક કિસ્સો બન્યો અને ફરીવાર તેમની માનવીય સંવેદનાનો લોકો ને અનુભવ થયો હતો. જોકે, આ વખતે તેઓ એ મુંગા પક્ષીનો જીવ બચાવી નહોતા શક્યા પણ, તેમણે એ મૃત પક્ષીના મોતના કારણ વિશે જાણીને સરકારી તંત્રને એલર્ટ કરી દીધું હતું.
જાણો શું છે આખોયે કિસ્સો?
પોતાના મતવિસ્તારના પ્રવાસ દરમ્યાન અલ્ટ્રાટેક સિમેન્ટનો પ્લાન્ટ જ્યાં આવેલો છે તે ભોઆ ગામ પાસે તેમણે રસ્તા ઉપર મૃત હાલતમાં મોર ને જોયો તરત જ તેઓ પોતાના વાહન માંથી નીચે ઉતરીને મૃત હાલતમાં પડેલા મોર પાસે પહોંચ્યા હતા અને ગ્રામજનોને આ મોરના મૃત્યુનું કારણ પૂછ્યું હતું. ગ્રામજનોએ પીજીવીસીએલની વીજ લાઈનના પોલ પાસે મૃત પડેલા મોરના મોતનું કારણ પીજીવીસીએલની વીજ લાઈનના જર્જરીત વીજ વાયરોને કારણભૂત ગણાવ્યા હતા. એટલુંજ નહીં, ભોઆના ગ્રામજનોએ આ જર્જરીત વાયરોને કારણે અવારનવાર પક્ષીઓના મોત નિપજતાં હોવાની ફરિયાદ પણ ધારાસભ્ય પી.એમ. જાડેજાને કરી હતી. નિર્દોષ પક્ષીઓના મોતની વાત સાંભળીને દ્રવી ઉઠેલા ધારાસભ્ય પી.એમ. જાડેજાએ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુની ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમણે તરત જ વનવિભાગના અધિકારી શ્રી ચાવડાને ફોન કર્યો હતો અને મૃત મોરનું પોર્સ્ટમોટમ કરાવી તેના મોત અંગે પીજીવીસીએલ ઉપર જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સામાન્ય સંજોગોમાં ધારાસભ્ય જેવી વ્યક્તિ મોર જેવા પક્ષીની મોતની ઘટના અંગે આંખ આડા કાન કરી દે, પણ, ધારાસભ્ય પી.એમ. જાડેજાએ રાષ્ટ્રીય પક્ષી મોર ના મોતની ઘટનાને ગંભીર ઘણી પોતાના પ્રવાસને ટૂંકાવીને મોરનું પોર્સ્ટમોર્ટમ થાય તેમજ તેના મોત અંગે કસુરવારને સજા થવી જોઈએ એ અંગે ફોલોઅપ પણ કર્યું અને પોતાની સંવેદના દર્શાવી.
જોકે, પીજીવીસીએલની બેદરકારી ના કારણે ભચાઉના એકલ પાસેના રણમાં ફ્લેમિંગો પક્ષીઓના મોત ની ઘટના પણ કચ્છમાં બની ચુકી છે. આ ઘટનાથી ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે ફ્લેમિંગોના મોત માટે તપાસના આદેશો પણ આપ્યા હતા. વનતંત્ર પણ દોડતું થયું હતું. પરંતુ ફરી એકવાર હવે અબડાસામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના કારણમાં પીજીવીસીએલ તરફ આંગળી ચીંધાઈ છે, ને જર્જરીત વીજ વાયરોના કારણે અવારનવાર પક્ષીઓના મોતના આક્ષેપો થઈ રહ્યા છે, અને ધારાસભ્યએ જાતે તંત્ર નું ધ્યાન દોરી ફરિયાદ કરી છે, ત્યારે એ જોવું રહ્યું કે સરકાર અને તંત્ર શું કાર્યવાહી કરે છે?