રાહદારીઓ અને વાહન વ્યવહારની અવરજવર થી સતત ધમધમતા ભુજના જૂના બસ સ્ટેન્ડ પાસે લોખંડના થાંભલાઓ ઉપરથી પસાર થતી PGVCL ની વીજ લાઈનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં બે ગૌવંશો તેનો ભોગ બન્યા હતાં. તેમાંથી એક ગૌવંશને તાત્કાલીક સારવાર મળે એ પહેલાં જ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્ય એક ગૌવંશને ઈજાઓ થઈ હતી પણ તેને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ ઘટનાની જાણ થયા બાદ ઘટના સ્થળે દોડી ગયેલા કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ ભાવેશભાઈ પરમાર સાથે ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના જીલ્લાના અધ્યક્ષ ફુલેશભાઈ માહેશ્વરી અને ઈશ્વરભાઈ વાલજીભાઈ દેવીપૂજકે તુરત સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કરૂણાધામ પશુ ચિકિત્સાલય ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી બોલાવી હતી અને ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાવી વધુ સારવાર માટે કરૂણાધામ પશુ ચિકિત્સાલય પહોંચાડીને ઇજાગ્રસ્ત ગૌવંશ ને નવજીવન બક્ષ્યું હતું. શોર્ટ સર્કિટના આ બનાવ પછી લોકોમાં ગભરાટ અને આક્રોશ ફેલાઈ ગયો હતો. તો,ગૌવંશનું મોત થવાના કારણે ગૌભક્તો અને જીવદયાપ્રેમીઓએ વિદ્યુત તંત્રની બેદરકારી પ્રત્યે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.