ભુજના કુરબઈ ગામના ગ્રામજનોએ કલેકટર કચેરી સામે ધરણાં યોજીને વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા ગૌચર જમીન અને પર્યાવરણનો ખો નીકળતો હોવાનો આક્ષેપ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કુરબઈ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જુમાભાઈ ખમુભાઈ મહેશ્વરી દ્વારા ગ્રામજનોની સહી સાથે રૂબરૂ કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં સૂઝલોન અને એસ્ટ્રો વિન્ડ કંપનીઓ દ્વારા ગામની ગૌચર જમીનની અંદર ગેરકાયદેસર ઉભી કરાયેલી પવનચક્કીનો વિરોધ કરાયો છે. આ ઉપરાંત બન્ને કંપનીઓ દ્વારા ખનીજ અને રોયલ્ટી ચોરી સાથે પર્યાવરણનો ખો નીકળતો હોવાનો આક્ષેપ કરાયો છે. આવેદનપત્ર માં કુરબઈ ગામના સરપંચ વિરુદ્ધ પણ આક્ષેપો કરીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. કચ્છમાં આડેધડ નખાતી પવનચક્કીઓ સામે લાંબો સમય થયો અવારનવાર અલગ અલગ ગામો દ્વારા વિરોધના સુર ઉઠી રહ્યા છે.