લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતાંયે પહેલા ભાજપે પોતાના મોરબી કચ્છ બેઠકના ઉમેદવારની જાહેરાત કર્યા બાદ પ્રચારનું બ્યુગલ પણ વહેલું ફૂંકીને રાજકીય ગરમાટો લાવી દીધો છે. ચૂંટણી જંગ માં વિજય સંકલ્પ સાથે કચ્છ ભાજપના કાર્યકરોને ઝુકાવવાનું આહવાન કરતા આગેવાનો શંભુનાથજી ટૂંડિયા અને શંકર ચૌધરીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી ઉપર વ્યંગ બાણ છોડ્યા હતા. ભુજમાં હોટલ વિરામ મધ્યે મોરબી-કચ્છ ના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કચ્છ ભાજપે યોજેલા વિજય સંકલ્પ કાર્યક્રમમાં કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જાણો કોણે શું કહ્યું?
વર્તમાન સાંસદ અને સતત બીજી ટર્મ માં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની ઉપસ્થિત માં ભાજપી આગેવાનોએ જોશ ભર્યા પ્રવચનો સાથે ચૂંટણી નો રંગ જમાવી દીધો હતો. ભાજપના સાંસદ શંભુનાથજી ટુંડિયાએ પાકિસ્તાન ઉપર કરાયેલ સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૬ ની છાતી સાથે આતંકવાદી કેમ્પો નો સફાયો કર્યો હોવાનું જણાવ્યું હતું. તો સર્જીકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવનાર કોંગ્રેસ સામે સવાલો કર્યા હતા. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં ગંગા મૈયાની યાત્રા કરનાર પ્રિયંકા ગાંધી ઉપર શંભુનાથજી એ તેમના સામાન્ય જ્ઞાન બાબતે વ્યંગ બાણ છોડ્યા હતા. તો, શંકર ચૌધરીએ ભાજપનો દરેક કાર્યકર નરેન્દ્ર મોદી અને વિનોદ ચાવડા છે, એમ સમજીને પ્રચાર પ્રસાર સાથે લોક સંપર્ક શરૂ કરી દે એવું આહવાન કર્યું હતું. સમય ઓછો હોઈ જ્યાં વિનોદ ચાવડા ન પહોંચી શકે ત્યાં જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત કે નગરપાલિકા ના સભ્ય ને જાતે પ્રચાર શરૂ કરી દેવા કહ્યું હતું. તો, આપસી મતભેદ ભૂલી પક્ષ માટે કામ કરી નરેન્દ્ર મોદીને ફરી દેશનું સુકાન સોંપવા હાકલ કરી હતી.
રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરે દેશમાં વર્ષો પછી ગુજરાતના સપૂતો નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ગુજરાત ના નેતાઓ રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરી રહ્યા છે, એવું જણાવી આ રાજકીય સિદ્ધિ ને ઐતિહાસિક ગણાવી હતી. તેમના હાથ મજબૂત કરવા, ભાજપ ની સરકાર બનાવવા જણાવ્યું હતું. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિનોદ ચાવડાને જાગૃત અને લોકપ્રિય સાંસદ ગણાવી મોરબી માળીયા ને વર્ષો પછી શિવલાલ વેકરિયા જેવા સાંસદ મળ્યા હોવાનું કહ્યું હતું. ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાની ગત ટર્મની પાંચ વર્ષની કામગીરીનો જાહેર હિસાબ આપ્યો હતો. કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનામાં એક લાખ પરિવારોને ગોલ્ડન કાર્ડ ઇસ્યુ કરાયા હોવાનું, ૨૮ હજાર યુવાનોને મુદ્રા યોજના હેઠળ વ્યવસાય માટે લોન અપાઈ હોવાનું, ૧૨ લાખ ગરીબ દર્દીઓની ‘માં અમૃતમ કાર્ડ’ હેઠળ ઓપરેશન અને સારવાર કરાઈ હોવાનું જણાવ્યું હતું. કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડો. નીમાબેન આચાર્ય, પ્રભારી બિપિન દવે એ પણ ‘સૌનો સાથ સૌ નો વિકાસ’ એ સૂત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્થક કર્યું હોવાનું જણાવી ‘નમો અગેઇન’ ના સૂત્ર સાથે કાર્યકરોને વિનોદ ચાવડાને જંગી બહુમતી થી ચુંટી કાઢવા અપીલ કરી હતી. દોઢસો જેટલા યુવાનો, મહિલાઓ ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરાયો હતો. કાર્યક્રમ નું સંચાલન અનીરુદ્ધ દવેએ કર્યું હતું. મીડિયાની વ્યવસ્થા ઘનશ્યામ રસિકભાઈ ઠકકર, સાત્વિકદાન ગઢવી, અનવર નોડેએ સંભાળી હતી.
રમેશ મહેશ્વરી ઉપરાંત કોણ રહયા હાજર અને કોણ રહ્યા ગેરહાજર?
કચ્છ લોકસભા બેઠક ઉપર ભાજપ માં થી ૪૧ દાવેદરોએ ટિકિટ માંગ્યા બાદ વિનોદ ચાવડાને રિપીટ કરાયાં. તે દરમ્યાન નારાજગીના સુર વચ્ચે રાજકીય અફવાઓ પણ વહેતી થઈ હતી. એટલે ભાજપ કાર્યકરોની નજર કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે એના પર હતી. પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી એક જ મંચ ઉપર હાજર હતા અને તેમની હાજરીએ તમામ બીજી વાતો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. જોકે, વર્ષાબેન કન્નર, નરેશ મહેશ્વરી ગેરહાજર હતા. જ્યારે અન્ય ઉપસ્થિત નેતા ગણમાં કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરી, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, લોકસભા ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી, જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોર સહિત અન્ય આગેવાનો, મહિલા અને યુવા પાંખના આગેવાનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા સદસ્યો, મંડલ, શક્તિકેન્દ્રો, બુથ સમિતિના સદસ્યો તેમ જ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.