કચ્છ ઘણું શાંત મતદારક્ષેત્ર છે ચૂંટણી એવી પ્રક્રિયા છે, જેમાં અધિકારી સ્વતંત્ર હોય છે ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓનું પાલન કરીને ચૂંટણી કાર્યમાં કયાંય કોઇ ચૂક કે આક્ષેપ ન થાય તેવી રીતે ચૂંટણીનું કામકાજ ભેદભાવ વિના કરવાનું છે, તેમ ચૂંટણી માટેના નિયુકત જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્નાએ કચ્છના ચૂંટણી અધિકારીઓની સમીક્ષા બેઠકને સંબોધતાં જણાવ્યું હતું
ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ૧-કચ્છ(અ.જા.)સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન સમગ્ર કચ્છમાં ચૂંટણીની પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે નિયુકત જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્ના અને ડો.(કુ.)આભા ગુપ્તા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને કચ્છના એ.આર.ઓ., પૂર્વ અને પશ્ચિમ વિભાગના પોલીસ વડાઓ અને જિલ્લામાં નિયુકત ૨૧ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહન દ્વારા કચ્છ લોકસભા મતદારક્ષેત્ર માટેની ચૂંટણી કામગીરી માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરી અને પ્રક્રિયાનો ઉલ્લેખ કરી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ વધારવા ‘સ્વીપ’ કાર્યક્રમ હેઠળ કરાઇ રહેલી કાર્યની જાણકારી આપી હતી.
જનરલ ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્ના અને ડો.(કુ.) આભા ગુપ્તાએ આદર્શ આચારસંહિતા,એમ.સી.એમ.સી.ની કામગીરી,કચ્છના ક્રિટીકલ બુથ સહિતની જાણકારી મેળવી હતી અને ઓબ્ઝર્વરને સમયસર અહેવાલ મોકલવા જણાવ્યું હતું.
ઓબ્ઝર્વર અભિષેક ક્રિષ્નાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.ઓ.ના ચૂંટણી ટીમના કેપ્ટન છે, તેમ જણાવી તેમની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા એઆરઓ અને નોડલ અધિકારીઓને શીખ આપી હતી.
કચ્છ પશ્ચિમ વિભાગના પોલીસ વડા સૌરભ તોલંબિયાએ કાયદો-વ્યવસ્થા, ચેકપોસ્ટ ઉપરની દેખરેખ ઉપરાંત લાયસન્સ આર્મ ડીપોઝીટ સહિત સીઆરપીએફની કંપનીઓ મૂકાઇ હોવાનું જણાવી હાજીપીરના મેળા દરમિયાન મતદાર જાગૃતિનું પણ કાર્ય કરાતું હોવાનું જણાવ્યું હતું.
પૂર્વ વિભાગના એસ.પી. પરીક્ષિતા રાઠોડે અંજાર-ગાંધીધામ અને રાપર વિભાગમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત તેમના દ્વારા પ્રિવેન્ટીવ એકશન લેવાયાની વિગતો આપી હતી. તેમણે ક્રિટીકલ બુથ તેમજ બોર્ડરવિંગના જવાનો સંબંધે જાણકારી આપી હતી.
બેઠકના પ્રારંભે નાયબ ચૂંટણી અધિકારી એમ.એ.પ્રજાપતિએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમગ્ર કચ્છની લોકસભા બેઠકની આંકડાકીય વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવજોષી, ડી.આર.ડી.એ.ના નિયામક એમ.કે.જાષી, એ.આર.ઓ. અને ભુજ પ્રાંત આર.જે.જાડેજા, અંજાર પ્રાંત વિમલ જોષી, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી સહિતના પ્રાંત અધિકારીઓ અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી મામલતદાર એસ.વી.ચમાર સહિત ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પુલિન ઠાકર અને પી.જી.સોલંકીએ બેઠકની કામગીરીની સુચારૂ વ્યવસ્થા સંભાળી હતી.