ધોમધખતા તાપ વચ્ચે મુન્દ્રાના બેરાજા ગામે પાણીની બુમરાણ મચી ગઇ છે સખત ગરમીમાં મુંગા પશુઓ તેમજ ગામલોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે બેરાજા ગામની ગૌ સેવા સમિતિના પ્રમુખ લાલુભા જાડેજાએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસ થયા બેરાજામાં પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે ગામની ૭૦૦ જેટલી ગાયો, ૨૫૦ જેટલા ઘેટાં બકરાં તેમ જ ૧૭૦૦ જેટલા ગામલોકો પીવાના પાણી સમસ્યાથી પરેશાન છે જોકે, ગૌ સેવા સમિતિના લાલુભા જાડેજાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, પાણીની તંગી માનવ સર્જિત કૃત્રિમ છે અમુક તોફાની તત્વો દ્વારા બેરાજા ગામની પીવાની પાણીની લાઈનમાં તોડફોડ કરાઈ છે, એટલે છતે પાણીએ મુંગા પશુઓ અને ગામ લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે એવી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પાણી હોવા છતાંયે મુંગા પશુઓ માટે ટેન્કર મંગાવી પાણીના હવાડા ભરવા પડે છે પીવાની પાણીની લાઈનમાં તોડફોડ કરીને પાણીની અછત સર્જી મુંગા પશુઓ અને ગામલોકોને પીવાના પાણી માટે બાનમાં લેનારા તોફાની તત્વો સામે ફોજદારી રીતે કડક પગલાં ભરવાની પણ માંગ કરાઈ છે.