રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકના પરિપત્રએ અત્યારે કચ્છના પ્રાથમિક શિક્ષણ તંત્રમાં ચર્ચા સાથે હલચલ સર્જી છે. તા/૧૬/૪/૧૯ ના આ પરિપત્ર માં મુખ્ય માહિતી શાળામાં ‘ગેરહાજર’ રહીને પોતાને ‘ઘેરહાજર’ રહી, ફરજ બજાવ્યા વગર પગાર વસુલતા શિક્ષકો વિશેની જાણકારી સંદર્ભે છે કચ્છના પ્રાથમિક શિક્ષકોમાં ખળભળાટ સર્જતાં આ પરિપત્રમાં આમ તો સામાન્ય માહિતી જ માંગવામાં આવી છે પણ, શિક્ષક વર્તુળોમાં થતી ચર્ચા જાણીએ તો આ સામાન્ય માહિતી ‘ગુટલીબાજ’ શિક્ષકો અને તેમને છાવરતાં ટીપીઓ ના ચહેરા બેનકાબ કરી નાખશે જોકે, અહીં સવાલ સાચી માહિતી ઉપર સરકાર સુધી પહોંચે છે કે નહીં તેની સામે પણ છે.
શિક્ષણ નિયામકે શું માંગી છે માહિતી?
તાજેતરમાં જ આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ. એસ. આહીરે ગેરહાજર રહેનારા શિક્ષકો વિશે પૂરતા આધાર પુરાવાઓ સાથે ફરિયાદ કરી હતી દરમ્યાન હવે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે ગેરહાજર શિક્ષકો વિશે માહિતી આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આદેશ કર્યો છે.
★ છેલ્લા બે મહિનાથી ગેરહાજર રહેતા શિક્ષક અને તે જ્યાં ફરજ બજાવતા હોય તે શાળાનું નામ.
★ જો કોઈ શિક્ષક ગેરહાજર છે, તો તે કઈ તારીખ થી કઈ તારીખ સુધી ગેરહાજર છે?
★ ગેરહાજર રહેનારા શિક્ષક વિરુદ્ધ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોઈ પગલાં લીધા છે ખરા?
★ ગેરહાજર રહેનાર શિક્ષક શું લાંબા સમયથી ગેરહાજર છે?
★ તા/૧/૧૨/૧૬ ના નોટિફિકેશન મુજબ ગેરહાજર શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી છે ખરી?
★ ક્યા કારણોસર કાર્યવાહી નથી કરી? તે વિશે પણ ખુલાસો કરવો પડશે.
આ પરિપત્ર અનુસાર ૭ દિવસમાં માહિતી મોકલવા તાકીદ કરાઈ છે. જોકે, કચ્છની વાત કરીએ તો ખાવડા, બન્ની તેમ જ રાપર વિસ્તારમાં ગેરહાજર રહેનારા શિક્ષકોના કિસ્સાઓ ઝડપાઇ ચુક્યા છે. તો, કચ્છમાં અમુક તાલુકા મથકોએ ટીપીઓ દ્વારા ગેરહાજર રહેનાર શિક્ષકોના મામલે હજી પણ લીપાપોતી કરાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે ‘ઘેરહાજર’ રહીને પગાર વસુલતા શાળાના ‘ગેરહાજર’ શિક્ષકો વિશેની માહિતી બહાર આવશે કે પછી ફરી ‘હાજરી’ પુરાઈ જશે?