જયેશ શાહ.ગાંધીધામ
કચ્છના ક્રીક એરિયામાંથી બોટમાં સવાર બે પાકિસ્તાની ઝડપાયા અને નવ ભાગી ગયા ત્યારે કચ્છ સ્થિત વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી તથા બોર્ડર સિક્યોરિટી સાથે સંકળાયેલા તમામ લોકો ચોંકી ઉઠયા કે આટલી ગંભીર બેદરકારી કેવી રીતે હોઇ શકે? પરંતું તેનાથી પણ વધુ ગંભીર કહી શકાય તેવી સીમા સુરક્ષા સંબંધી વાતો ધીમે ધીમે બહાર આવી રહી છે જેમા સૌથી વધુ ચોંકાવનારી વાત એવી બહાર આવી છે કે, પાકિસ્તાની ઘૂસણખોરો કચ્છનાં ક્રીક એરિયામાં છેલ્લા એક અઠવાડિયાથી ફરી રહ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતું તેઓ કચ્છનાં કોટેશ્વર મહાદેવના મંદીરથી માંડ પાંચ કિલોમીટર દુર આવેલી સાવલા પીરની દરગાહે લટાર મારીને માથુ નમાવી આવ્યા હતાં ઝડપાયેલા પાકિસ્તાનીઓના આવા ખુલાસાથી કચ્છ ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
સોમવારે પકડાયેલા બે નાપાક શખ્સની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે ભાગી ગયેલા નવ સહિતનાં કુલ 11 પાકિસ્તાની છેલ્લા એક અઠવાડિયાથી કચ્છનાં ક્રીક એરિયામાં ભારતીય માછીમારોની જેમ ફરી રહયા હતા માત્ર એટલુંજ નહીં પરંતું આ લોકો કચ્છનાં કોટેશ્વર મંદીરથી માત્ર પાંચેક કિલોમીટર દુર આવેલી સાવલા પીરની દરગાહ ઉપર પણ માથુ ટેકી આવ્યા હતા સાતેક દિવસથી કચ્છનાં ક્રીક એરિયામાં ફરી રહેલી પાક બોટ તથા નાપાક તત્વોની મુવમેન્ટ ભારતીય હવાઈદળનાં એરિયલ સર્વેલન્સમાં આવી જતા એરફોર્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા કચ્છનાં નલિયામાં આવેલા એરબેઝમા ઇન્ડિયન એરફોર્સનો એક કંટ્રોલરૂમ આવેલો છે જયાંથી કચ્છની ક્રીક સીમા ઉપરાંત અન્ય સંવેદનશીલ જગ્યાઓ ઉપર ડ્રોન તથા માનવ વિહોણા વિમાન (યુએવી) દ્વારા રાત દિવસ નજર રાખવામાં આવતી હોય છેજેને લીધે ઘુસણખોરીની આ ગંભીર કહી શકાય તેવી ઘટના પકડાઇ હતી અને બીએસએફની ઇન્ટેલ એજન્સી જી બ્રાન્ચના અધિકારીઓની નબળાઈ પણ બહાર આવી છે.
છેલ્લા કેટલાક સમયથી કચ્છની રણ તથા સમુદ્રી સીમા ઉપર દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતો વધી રહી છે બોર્ડર ક્રોસ કરીને સામે પારથી ઘુસણખોરી ઉપરાંત ડ્રગ્સની કરોડો રૂપિયાની ખેપ વધી છે તેની પાછળ કચ્છમાં આવેલી વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સી વચ્ચેનું નબળા સંકલનની સાથે સાથે બીએસએફની ગુપ્તચર શાખા એવી ‘જી’ બ્રાન્ચની સિક્યોરિટી ખામીઓ ખુલીને સામે આવી રહી છે.