વાયુ વાવાઝોડું મુંબઈ પહોંચતા જ મુંબઈમાં તેની અસર રૂપે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો છે. વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે મુંબઈથી પોરબંદર પહોંચશે. પણ, તાજેતરમાં જ ઓરિસ્સામાં વાવાઝોડા સમયે સરકારે વરતેલી સાવધાની ની પેટર્ન ઉપર જ ગુજરાતમાં વહીવટીતંત્ર સતર્ક રહેશે એવું રાજ્યના મુખ્યસચિવ જે.એન.સીંઘે જણાવ્યું છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે વાવાઝોડા ની રાહત અને બચાવની સમગ્ર કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. વાવાઝોડું પોરબંદર વેરાવળ પહોંચ્યા બાદ કચ્છના દરીયામાં પૂર્ણ થશે. જોકે, વાવાઝોડાની ગતિવિધિ ઉપર હવામાન તંત્રની નજર છે અને તમામ વિગતો ધ્યાને લઈને સરકાર તેમ જ જિલ્લા વહીવટીતંત્ર સંકલન સાથે કામ કરી રહ્યા છે. દરમ્યાન સાવચેતીના ભાગ રૂપે મુંબઈ અને કચ્છ વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી કચ્છ જતી આજે તારીખ ૧૨/૬ તેમજ ૧૩/૬ અને ૧૪/૬ સુધીની ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે. પરિણામે ગાંધીધામ, ભુજ જતાં પ્રવાસીઓ અટવાઈ ગયા છે. એજ રીતે કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે. સલામતીના કારણોસર પ્રવાસીઓ પોતાની મુસાફરી ટાળે તેવી અપીલ પણ કરાઈ છે. રોડ માર્ગે પણ કચ્છથી સૌરાષ્ટ્ર તરફની મુસાફરી ટાળવા વહીવટી તંત્રએ તાકીદ કરી છે.