‘વાયુ’ વાવાઝોડુ જેમજેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. તેમ તેમ તંત્ર પણ ડીઝાસ્ટર કામગીરીમાં ઝડપ કરી રહ્યું છે. અત્યાર સુધી કચ્છમાં ૭૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તે સાથે ગુજરાતના સૌથી મોટા બંદર એવા જખૌને ખાલી કરાવવા સાથે વહીવટી તંત્ર એન.ડી.આર.એફ સહિતની ટીમે અબડાસાના 13 ગામના 2000 લોકોનુ સ્થળાતંર શરૂ કર્યુ છે. કચ્છના કંડલા,માંડવી,ભચાઉ,મુન્દ્રા,અબડાસા, લખપત એમ ૬ તાલુકાઓમાં દરિયાઇ વિસ્તારથી 4 કિ.મી એરીયામાં આવતા ગામો ખાલી કરાવાયા છે. કંડલા અને અબડાસામાં વાવાઝોડાની સૌથી વધુ સંભવિત અસરની શક્યતાના પગલે કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધી 6 તાલુકાઓના 46 ગામમાંથી 7000 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. જ્યારે અબડાસાના 13 ગામોમાં હજી 2000 લોકોને સલામત સ્થળે ખસેડાશે. કચ્છમાં અંદાજીત ૧૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કામગીરીમાં એન.ડી.આર.એફની ટીમ પણ સાથે જોડાઇ હતી.
જોકે, સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રની તકેદારીને પગલે લોકોએ પણ સલામતી અર્થે સાવચેતી દાખવી દરિયાઇ વિસ્તારમાંથી સ્થળાતંર શરૂ કર્યુ છે. સંભવત અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતીને જોતા કચ્છમાં 15000 જેટલા લોકોનુ સ્થળાતંર કરાય તે માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. આજ રાત સુધી ગુજરાત કાંઠે વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા વચ્ચે સંભવતઃ જ્યાં અસર થવાની શકયતા છે ત્યાં ગામો ખાલી કરાવીને જાન માલની નુક્સાનીને ટાળવા માટે વહીવટી સંપુર્ણ સજજતા સાથે એલર્ટ છે.