ભુજમાં ગત રાત્રે એરપોર્ટ રોડ ઉપર ચાલતા ગટરના કામ દરમ્યાન માટી ધસી પડતાં સર્જાયેલા અકસ્માતમાં એક મજૂરનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ચાર મજૂર ઇજા પામતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા આ કિસ્સામાં ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે સુરતની ઘટના પછી કલાસીસને ચેતવણી આપનાર અને મેડિકલ બાયો વેસ્ટ પછી તબીબો અને હોસ્પિટલોને નોટિસ આપી કાયદાનું પાલન કરવાની ચેતવણી આપનાર ભુજનું પાલિકા તંત્ર ખુદ કોઈ નિયમોનું પાલન કરતું નથી.
લાયસન્સ વગરના કોન્ટ્રાકટરને કામ આપનાર ભુજ પાલિકાના જવાબદારો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ
ભુજ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર મરીયમબેન હાસમ સમાએ ગાંધીનગર અને રાજકોટ સ્થિત નગરપાલિકા કમિશનર કચેરીને મજૂરના મોત બદલ કોન્ટ્રાકટર તેમજ ભુજ પાલિકાના જવાબદારોની વિરુદ્ધ સદોષ મનુષ્ય વધ, હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી ખળભળાટ સર્જ્યો છે કાઉન્સિલર મરીયમબેન સમાએ ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ગટરનું કામ કરનારા કોન્ટ્રાકટર નારાણભાઈ પાસે લેબર કોન્ટ્રાકટનું લાયસન્સ જ નથી તો,એક પણ શ્રમિક મજૂરનો અકસ્માત વીમો નથી સ્થળ ઉપર સુરક્ષા માટેના કોઈ સાધનો નથી તેમ છતાંયે કોન્ટ્રાકટર નારાણભાઈને ભુજ પાલિકાએ કોન્ટ્રાકટ કેમ આપ્યો? આ મુદ્દાઓ સાથે કાઉન્સિલર મરીયમબેન સમાએ જવાબદારોની વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.