Home Current કચ્છનો પીવાના પાણીનો પ્રશ્ન કેવી રીતે ઉકેલશો? – રિટ ને પગલે હાઇકોર્ટે...

કચ્છનો પીવાના પાણીનો પ્રશ્ન કેવી રીતે ઉકેલશો? – રિટ ને પગલે હાઇકોર્ટે સરકારને સોગંદનામું રજૂ કરવા આપ્યો આદેશ

915
SHARE
કચ્છમાં પીવાના પાણી પ્રશ્ને કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ કરેલી રિટના પગલે હાઇકોર્ટમાં કાનૂની જંગ છેડાયો છે. આ સંદર્ભે આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અનંત દવેની બેન્ચ સમક્ષ આજે સુનાવણી થઈ હતી. આ કાનૂની જંગ સંદર્ભે રિટ કરનાર આદમ ચાકીએ જણાવ્યું હતું કે, ગત વખતે આ કેસની સુનાવણી દરમ્યાન સરકાર વતી એવો ખુલાસો કરાયો હતો કે, પાણી પૂરતા પ્રમાણમાં અપાઈ રહ્યું છે જોકે, સરકારના આ ખુલાસાને પગલે આજે અરજદાર આદમ ચાકી વતી તેમના એડવોકેટ હાસીમ કુરેશી દ્વારા વિવિધ ગામોની ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પીવાનું પાણી ન મળતું હોવાની રજૂઆતો સાથેના પત્રો રજૂ કરવામાં આવ્યા હતા જે સંદર્ભે ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરાતાં રાજ્ય સરકાર વતી સરકારી વકીલે જણાવ્યું હતું કે સરકારનો ઈરાદો કચ્છ જિલ્લાને પૂરતું પીવાનું પાણી આપવાનો છે. જેના સંદર્ભે અરજદારના વકીલ હાસીમ કુરેશીએ જણાવ્યું હતું કે, અમારા અરજદારની લડત કચ્છને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે જ છે, એટલે સરકાર જો કચ્છને પીવાનું પાણી પૂરતું આપતી હોય તો અમને વાંધો નથી એટલે, ચીફ જસ્ટિસની બેન્ચે સરકારને આદેશ કર્યો છે કે, આગામી તારીખ ૯મી ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લાને રાજ્ય સરકાર પીવાનું પૂરતું પાણી કઈ રીતે પૂરું પાડશે તે અંગે સોગંદનામું રજૂ કરે. અરજદાર આદમ ચાકીએ ચીફ જસ્ટિસ દ્વારા સરકારને સોગંદનામું રજૂ કરવાના અપાયેલા આદેશને આવકાર આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કચ્છને પીવાના પાણી આપવાનું આયોજન રજૂ કરાશે, જેને પગલે કચ્છના શહેરો, તાલુકા મથકો અને ગામડાઓને દરરોજ કેટલું પાણી મળશે તે વિશે કચ્છના તમામ લોકોને ખ્યાલ આવશે અત્યારે પીવાના પાણીની જે રોજિંદી સમસ્યા છે, તે હળવી થશે.