કચ્છ કોંગ્રેસ દ્વારા પાક વીમાના પ્રશ્ને વીમા કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરાઈ છે. ભુજ મધ્યે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં વી.કે. હુંબલે આંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું કે, ગત વર્ષના પાક વીમાના ખેડૂતોના રૂપિયા આઠ આઠ મહિના થયા હજી ચૂકવાયા નથી. કચ્છના ખેડૂતોના ૭૧ કરોડ રૂપિયા ચૂકવવા માટે વીમા કંપની એગ્રીક્લચર ઈન્સ્યુરન્સ કંપની ઓફ ઇન્ડિયા અખાડા કરે છે. સરકાર દ્વારા પાક વીમાની ૨૫ % રકમ ચુકવવાની સૂચના હોવા છતાંયે વીમા કંપનીએ ક્રોપ કટીંગના બહાને કચ્છના ૫ તાલુકાઓના ૨૫ હજાર ખેડૂતોને ૨૫ % રકમ પણ ચૂકવતી નથી. ક્રોપ કટીંગ એટલે પાક નથી થયો તેની ખાત્રી અંગેનું સર્વેનું કામ!! કચ્છમાં ખુદ સરકારે દુષ્કાળ જાહેર કર્યો એ દર્શાવે છે કે, પાક નિષફળ ગયો છે. તેમ છતાંયે ખેડૂતો ના ખેતરમાં રેન્ડમ સર્વે કરાયું હવે ડ્રો પદ્ધતિ દ્વારા આ રેન્ડમ સર્વે કરાયો જેમાં પાંચ પ્રતિનિધીઓની સાથે વીમા કંપનીના સર્વેયરે રૂબરૂ ખેતરમાં મુલાકાત લઈને પાક નથી થયો તેની ખાત્રી કર્યા પછી પણ પાક નિષફળ ગયા અંગેના પાક વીમા ના રૂપિયા કરાર પ્રમાણે ચૂકવવાનો બદલે વીમા કંપની અખાડા કરે છે. અરે હદ તો ત્યાં થાય છે કે, જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી દ્વારા ૧૮ પત્રો લખાયા છતાંયે વીમા કંપની દાદ આપતી નથી. કચ્છ કોંગ્રેસ વતી પ્રદેશ મહામંત્રીઓ રવિન્દ્ર ત્રવાડી અને અરજણ ભુડિયાએ આક્ષેપ કર્યો હતો કે, ત્રણ વર્ષ થી પાક વીમા ના વસુલતી વીમા કંપની પહેલી વાર જ્યારે પૈસા ચૂકવવાના આવ્યા ત્યારે જે નકારાત્મક વલણ અપનાવે છે તે એક વીમા ધારક તરીકે ખેડૂતોનું અપમાન અને અન્યાય છે. જે રીતે હેલ્થ અને લાઈફ ઈન્સ્યુરન્સના રૂપિયા વીમા ધારકને ક્લેઇમ કર્યા બાદ સમયસર મળી જાય છે એ રીતે ખેડૂતો પણ પાક વીમાનો કલેઇમ મેળવવા માટે હક્કદાર છે. કલેકટર સમક્ષ વીમા કંપનીને રૂપિયા ચુકવવાની દરમ્યાનગીરી કરવા વિનંતી કરવાની સાથે જો રૂપિયા નહીં ચૂકવાય તો ખેડૂતોની સાથે કલેકટર કચેરી સામે કચ્છ કોંગ્રેસ દ્વારા ઘરણા આંદોલન છેડવાની ચીમકી વી.કે. હુંબલે ઉચ્ચારી હતી. કોંગ્રેસી આગેવાનોએ વીમા કંપની સાથે સરકારની સાઠગાંઠ હોવાનો આક્ષેપ કરી ૧૨ % વ્યાજ અને ૪% પેનલ્ટી સાથે વીમા કંપની પાસે રૂપિયા વસૂલીને ખેડૂતોને ચૂકવવા તાકીદ કરી છે. રજુઆત માં કચ્છ કોંગ્રેસના મીડીયા ઇન્ચાર્જ રમેશ ગરવા,ગની કુંભાર, દિપક ડાંગરની સાથે મુસ્તાક હિંગોરજા, અંજલી ગોર અને ધીરજ રૂપાણી સાથે રહ્યા હતા.