Home Current કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર ‘એન્ટ્રી’ સાથે દુકાળ ‘આઉટ’- કચ્છી માડુઓમાં હરખની હેલી- ભુજના...

કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર ‘એન્ટ્રી’ સાથે દુકાળ ‘આઉટ’- કચ્છી માડુઓમાં હરખની હેલી- ભુજના હમીરસરમાં પાણીની આવ શરૂ – લેટેસ્ટ અપડેટ

3264
SHARE
સતત ત્રીજું વરસ દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આ વખતે મેઘરાજાએ સતત કસોટી કરીને લોકોના જીવ અદ્ધર રાખ્યા હતા ગત જૂન મહિનામાં વાયુ વાવાઝોડા દરમ્યાન કચ્છમાં વરસાદ પડશે એવી આગાહી થઈ હતી પણ, વરસાદ પડ્યો નહોતો ગયા મહિને જુલાઈમાં વધુ એક વખત કચ્છમાં વરસાદની આગાહી થઈ હતી જે અંશતઃ સાચી પડી પણ આગાહી કરતા ઓછો એવો છુટો છવાયો સામાન્ય વરસાદ થયો હતો જેના પરિણામે અછત ચાલુ રાખવી કે દૂર કરવી તે વિશે પણ મૂંઝવણ શરૂ થઈ હતી જોકે, અંતે આ વખતે વરસાદની કરાયેલ આગાહી સાથે જ મેઘરાજા કચ્છમાં ધોધમાર વરસ્યા છે ગઈકાલે શુક્રવારે સવારે પૂર્વ કચ્છથી શરૂ થયેલી મેઘસવારી ધીરે ધીરે આગળ વધીને સાંજે કાંઠાળ વિસ્તાર થઈને મોડી રાત્રે કચ્છના રણ કાંધીના સરહદી ગામો સુધી પહોંચી હતી એકંદરે થોડો ધોધમાર તો થોડા શાંત વરસાદ સાથે કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે શુક્રવાર સવારથી આજ શનિવાર સવાર સુધીના ૨૪ કલાકમાં કચ્છના દસે દસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કચ્છ જિલ્લા કલેકટર કચેરીના આંકડા પ્રમાણે સૌથી વધુ વરસાદ * ગાંધીધામ- ૧૮૦મીમી, *ભચાઉ- ૧૭૩ મીમી, *રાપર- ૧૫૯ મીમી, * અંજાર- ૯૬ મીમી, * અબડાસા- ૮૭ મીમી, * નખત્રાણા ૭૧ મીમી, * માંડવી- ૬૫ મીમી, *મુન્દ્રા- ૬૦ મીમી, *ભુજ ૫૩ મીમી *લખપત- ૫૦ મીમી. (૨૫ મીમી વરસાદ = ૧ ઇંચ).

હમીરસરમાં આવ્યું પાણી, નીચાણવાળા વિસ્તારો માટે ભુજ પાલિકાએ શરૂ કર્યો કન્ટ્રોલ રૂમ

ધમાકેદાર વરસાદને પગલે કચ્છના નદી, નાળા અને ડેમમાં નવા નીર આવ્યા છે. તો, ભુજના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સૂકા ભઠ એવા હમીરસર તળાવમાં પણ નવા નીર આવ્યા છે. આજે સવારે મોટા બંધમાં આવી રહેલા પાણી નિહાળવા લોકો ઉમટ્યા હતા તો, સોશ્યલ મીડિયામાં મોટા બંધની પાણી આવ, કૃષ્ણાજી પુલ માંથી હમીરસર તળાવમાં જતી પાણી આવ અને સૂકા ભઠ એવા હમીરસર તળાવમાં આવેલા પાણીના દ્રશ્યો સાથેની રમણીય તસ્વીરો સ્માર્ટ ફોન દ્વારા સૌએ મેઘરાજાના ઓવારણાં લીધા હતા અનેમેઘરાજાના વ્હાલને વધાવ્યું હતું. જોકે, ભુજના નીચાણવાળા વિસ્તારોમાં જો ક્યાંય કોઈ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય તો ભુજ નગરપાલિકા દ્વારા લોકોને મદદરૂપ બનવા કન્ટ્રોલરૂમ શરૂ કરાયો હોવાનું કારોબારી ચેરમેન ભરત રાણાએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું. ભુજ પાલિકા કન્ટ્રોલરૂમ નંબર 9925170210, 9925170506.

ગાંધીધામમાં પાણી ભરાતા સાંસદ વિનોદ ચાવડા મદદે

ગઈકાલે રાત્રે ગાંધીધામમાં પડેલા ધોધમાર વરસાદને પગલે કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારના ઘરોમાં પાણી ભરાયાં હતા. આ અંગે ગધીધામ નગરપાલિકાના નગરસેવક જે.પી. મહેશ્વરીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાઈવે અને રેલવે ટ્રેક વચ્ચે વરસાદી પાણીને કારણે કાર્ગો આઝાદ નગર,એકતાનગર,યાદવ નગર બધી જગ્યાએ પાણી ભરાતાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભર્યા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રેલવે પ્રશાસનની મદદ માટે સાંસદ વિનોદ ચાવડાનું ધ્યાન દોરતાં તેમણે રેલવે પ્રસાશન ને સૂચના અપાવી પાણી નો નિકાલ કરાવ્યો હતો. સમગ્ર કાર્ગો વિસ્તાર અત્યારે ટાપુ જેવો બની ગયો છે.

બે દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી

બંગાળના અખાત અને મધ્ય પ્રદેશ ઉપર બનેલી વરસાદ બે સીસ્ટમ  ના કારણે 3 દિવસ ૯ ૧૦ ૧૧ તારીખના કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી, જેની શરૂઆત ગઈકાલે ૯ તારીખે શુક્રવારે થઈ હતી. હજીયે આજનો  માહોલ જોતા આજે અને આવતી કાલે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, આ સીઝનમાં પ્રથમ જ વાર સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદનો માહોલ રચાયો છે. ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે તેવું કચ્છી માડુઓ ઇચ્છી રહ્યા છે.