જન્માષ્ટમીના સપરમાં તહેવારો દરમ્યાન કચ્છમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતના બનાવોમાં ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે એક વ્યક્તિ હજીયે લાપત્તા છે. ગઈકાલે જન્માષ્ટમીના રબારી સમાજમાં યોજાતા ગોકુળીયા લગ્ન દરમ્યાન બે રબારી જાનૈયા યુવાને પોતાના જીવ ગુમાવતા લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો હતો. ભચાઉના આધોઈ ગામેથી હલરા ગામે જાન ભેગા પોતાની બાઇક ઉપર જઈ રહેલા બે રબારી યુવાનો વરસાદ દરમ્યાન તૂટેલી પાપડીમાં ખાબકતા તેમના મોત નિપજ્યા હતા. અકસ્માતના આ બનાવમાં સુંદરપુરી ગાંધીધામમાં રહેતાં ખોડાભાઈ વિરમ રબારી (ઉ.૨૦) અને ગોપાલપુરી, ગાંધીધામમાં રહેતા વિભાભાઈ ઉર્ફે કાનજીભાઈ રબારીના ગંભીર ઈજાઓના કારણે અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. બાઈકનો બીજો અકસ્માત મુન્દ્રાના દેશલપુર ગામ પાસે સર્જાયો હતો. મુન્દ્રા મધ્યે કંપનીમાં કામ પરથી પાછા વળી રહેલા મોટી રાયણ (માંડવી)ના વિનોદ નાગશી રોશિયા (ઉ.૩૬) નું બાઇક સ્લીપ થઈ જવાથી ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. જન્માષ્ટમી દરમ્યાન ગઈકાલે લોકોની અવરજવરથી ગાજતો રહેલો માંડવીનો દરિયા કિનારો ફરી એક વાર સહેલાણીઓ માટે જોખમરૂપ બન્યો હતો. જોકે, દરિયાના પાણીમાં ભરતી ઓટ વખતે વરતાતો કરન્ટ તેમજ ઘણી વાર નહાવા પડેલા યુવાનો અંદર સુધી તરવા નીકળી ગયા બાદ દરિયાના ઉછળતા મોજા વચ્ચે પવનની ઝડપ તેમ જ હિલોળા લેતા પાણીની અંદર તરવાની બિનઆવડત અને બિન અનુભવના કારણે પોતાના જીવ ઉપર જોખમ ઉભું કરે છે. ગઈકાલે ૧૯ જેટલા યુવાનો માંડવીના દરિયામાં ડૂબ્યા હોવાના અને તેમને બચાવવા માટેના રેસ્ક્યુ ઓપરેશનના સમાચારો સતત ચર્ચામાં રહ્યા હતા. જોકે, અન્ય યુવાનો બચી ગયા પણ લાપત્તા બે યુવાનો પૈકી આજે એકની લાશ મળી આવી હતી જ્યારે અન્ય એક યુવાન હજીયે લાપત્તા છે. અંજારના સાપેડા ગામના હિંમત વિરમ મહેશ્વરીએ ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે પોતાના ભાઈ સાથે દરિયામાં નહાવા પડેલ હિંમત લાપતા થયા બાદ ભારે શોધખોળને અંતે આજે તેની લાશ મળી આવી હતી જ્યારે ભુજના લાખોંદ ગામનો યુવાન જીતેશ લાલજી કોલી ગઈકાલે ડૂબી ગયા બાદ હજી સુધી લાપત્તા છે.