Home Current કચ્છની RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ ક્યારે મળે એ નક્કી નહીં – જિલ્લા...

કચ્છની RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ ક્યારે મળે એ નક્કી નહીં – જિલ્લા મથક ભુજમાં લોકો અટવાયા, અધિકારીઓ ‘નેટવર્ક’ના કારણે પાંગળા

786
SHARE
કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાની ભુજ મધ્યેની મુખ્ય આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી ખોરવાઈ છે. આ અંગે આરટીઓ એજન્ટ એસોસિએશન દ્વારા રજુઆત સાથે લોકોને પડતી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. એસોસિએશનના સીનીયર આગેવાન ઉમર સમાએ જણાવ્યું હતું કે, ભુજની મુખ્ય આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સના સોફ્ટવેર ‘સારથી’નું નેટવર્ક ખોરવાઈ ગયું છે પરિણામે કાચા લાયસન્સ પછી ટ્રેક ઉપર ટેસ્ટ ડ્રાઇવ દ્વારા અપાતા કોમ્પ્યુટરાઈઝડ પાકા લાયસન્સની કામગીરી ખોરવાઈ ગઈ છે તેમાંયે છેલ્લા ૧૫ દિવસથી તો નવા લાયસન્સ ઇસ્યુ કરવાની.કામગીરી ઠપ્પ થઈ ગઈ છે પરિણામે છેક પૂર્વ કચ્છના આડેસરથી પશ્ચિમ કચ્છના છેડે આવેલા લખપત સહિતના દૂરના વિસ્તારોમાંથી પાકા લાયસન્સ માટે ભુજ સુધી લોકોને ધકકા થાય છે, પણ પાકું લાયસન્સ બનતું નથી. ભુજની આરટીઓ કચેરીના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ‘સારથી’  લાયસન્સ માટેનું સોફ્ટવેર તેમજ તેનું વાયરિંગ કામગીરીનો લોડ ઉપાડી શકતા નથી એટલે વારે ઘડીએ કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે. ખરેખર રાજ્યની આરટીઓ કચેરી દ્વારા નિષ્ણાત કોમ્પ્યુટર ઇજનેરની સલાહ લઈને આ સારથી લાયસન્સ માટેના સૉફ્ટવેરને વર્કલોડ ઉપાડી શકે તે રીતે અપગ્રેડ કરાવવાની જરૂરત છે. આરટીઓને લગતી કામગીરી ભલે ડિજિટલ થઈ પણ કચ્છની આરટીઓ કચેરીનું ડિજિટલ ‘નેટવર્ક’ મોટેભાગે ખોરવાયેલું રહે છે પરિણામે નાની મોટી બીજી કામગીરીને પણ અસર પહોંચે છે. ‘નેટવર્ક’ ખોરવાતાં અધિકારીઓ અને કર્મચારીઓ પાંગળા બની જાય છે તો કચ્છ જેવા મોટા જિલ્લામાં છેવાડેથી આવતા લોકોનો સમય અને પૈસા બન્ને બરબાદ થાય છે.