Home Current ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહના પોસ્ટરો બાળવામાં આવતાં ચકચાર –...

ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહના પોસ્ટરો બાળવામાં આવતાં ચકચાર – ૬ સામે ગુનો દાખલ

3287
SHARE
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પોસ્ટરો બાળવાની ઘટનાએ કચ્છમાં ચકચાર સર્જી છે. ભીમ આર્મી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભુજમાં કલેકટર કચેરીની નજીક યોજાયેલા ઘરણા પ્રદર્શન દરમ્યાન આ બનાવ બન્યો હતો જોકે, દેશના ટોચના બે નેતાઓના જાહેરમાં પોસ્ટરો સળગાવવાની આ ઘટનાને પગલે પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પોસ્ટરો સળગાવનારાઓને આ કૃત્ય કરતા અટકાવીને આ કૃત્ય આચરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધીને અટકાયત કરી હતી ભીમ આર્મી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજાયો હતો જે અંગે અગાઉથી પરમીશન પણ લેવાઈ હતી જોકે, પોલીસે જાતે ફરિયાદી બનીને પરમિશનની શરતોનો ભંગ કરવાનો ગુનો ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એચ. બારીયાએ નોંધાવ્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ૩૨૨૮/૧૯ થી નોંધવાયેલી FIR માં  (૧) કચ્છ જિલ્લા ભીમ આર્મીના પ્રમુખ લખન ધુવા ઉર્ફે કલ્પેશ નથુભાઈ મહેશ્વરી ( જૂની રાવલવાડી, ભુજ), (૨) કચ્છ જિલ્લા દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ વેલજી મહેશ્વરી ( સુખપર, ભુજ), (૩) રમજાન ઇબ્રાહિમ સમા (કેરા, ભુજ), (૪) દિનેશ કાનજી મારવાડા ( મંજલ), (૫) મયુર આતુભાઈ મહેશ્વરી ( ટૂંડા વાંઢ, મુન્દ્રા), (૬) લખુભાઈ ઉર્ફે લક્ષમણ કાનજી વાઘેલા (નખત્રાણા) સામે IPC ૧૮૮ હેઠળ ગુનો દાખલ કરીને અટકાયત કરાઈ હતી પોલીસે કલમ ૧૮૮ તળે આ ૬ વ્યક્તિઓ વિરુદ્ધ ધરણા અને વિરોધ પ્રદર્શનની પરમીશનનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે, જે અનુસાર તેમણે પરમીશન ન હોવા છતાંયે રસ્તા રોકો આંદોલન કરી વાહનો અટકાવ્યા હતા તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પોસ્ટરો સળગાવ્યા હતા.
વિરોધ પ્રદર્શન તેમજ પોલીસ કાર્યવાહી વિશે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે,  દિલ્હીના તુઘલખાબાદમાં તોડવામાં આવેલા સંત રવિદાસજીના મંદિર અંગે તેમજ ભીમ આર્મીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ અને ૯૬ કાર્યકરોની દિલ્હી મધ્યે કરાયેલી ધરપકડ સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, તેમજ ભીમ આર્મી, કચ્છના કાર્યકરો દ્વારા નારાજગી વ્યક્ત કરવા આ વિરોધ કાર્યક્રમ, ઘરણા નું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહના પોસ્ટરો સળગાવાયા હતા પોતા સહિત અન્ય ૬ આગેવાનો સામે ગુનો નોંધીને ભુજ એ ડિવિઝન પોલીસે તેમની બપોરે અટકાયત કરી સાંજે છોડી મૂક્યા હોવાનું તેમજ અન્ય ૭૦ જેટલા કાર્યકરોને પણ પોલીસે ડિટેઇન કર્યા હોવાનું નરેશ મહેશ્વરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.