છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આ વખતે મેઘરાજાએ મહેર કરી છે. મેઘરાજાની આ મહેરને કારણે કચ્છના ૧૮ લાખ જેટલા પશુઓ ઉપરથી ઘાસચારાનું વરતાઈ રહેલું સંકટ ટળી ગયું છે. તો, ખેતીને પણ જીવતદાન મળી ગયું છે. મેઘરાજાના આ વ્હાલને વધાવવા માટે ભુજ સ્વામિનારાયણ મંદિર અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતમાં ભુજ મધ્યે ‘મેઘલાડુ ઉત્સવ’ નું ભવ્ય આયોજન કરાયું છે. આ વિશે ભુજ સ્વામિનારાયણ મંદિર વતી કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાશ દાસજી અને શ્રી શુકદેવસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દુષ્કાળ અને અછતના સમયમાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ સંવેદનશીલતા દર્શાવીને કચ્છના પશુધનને બચાવવા ઢોરવાડા વહેલા શરૂ કરાવ્યા તેમજ ઢોરવાડા અને પાંજરાપોળ ગૌશાળાઓને ઉદાર હાથે સબસીડી આપી પરિણામે કચ્છનું પશુધન મોતના મોમાંથી બચી ગયું. સરકારની આ કામગીરીને કચ્છી પ્રજા વતી બિરદાવવામાં આવશે અને સમસ્ત કચ્છી પ્રજા વતી વિજયભાઈનું વિશેષ સન્માન કરવામાં આવશે. ભુજ મધ્યે આવેલા વિખ્યાત સ્વામિનારાયણ મંદિરના ભવ્ય પરિસરમાં આયોજિત આ મેઘલાડુ મહોત્સવમાં ભુજ મંદિરના મહંતશ્રી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, તમામ ધારાસભ્યો, રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કચ્છની ૧૦૦થીયે વધુ સામાજિક સંસ્થાઓ મુખ્યમંત્રી વિજયભાઈનું સન્માન કરીને તેમની દુષ્કાળ સમયની કામગીરીનું ઋણ સ્વીકાર કરશે. વિજયભાઈની ઉપસ્થિતમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છમાં ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ૫ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ જાહેર કરાશે, જોકે, બન્ને સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ થઇ ગયો હોવાનું શ્રી શુકદેવજી સ્વામી અને હિતેશ ખંડોરે જણાવ્યું હતું.