Home Current કચ્છનાં અખાતમાં યુદ્ધનાં જહાજી બેડા તૈનાત કરાયા, હરામીનાળાથી પાક મરીન કમાન્ડો...

કચ્છનાં અખાતમાં યુદ્ધનાં જહાજી બેડા તૈનાત કરાયા, હરામીનાળાથી પાક મરીન કમાન્ડો ઘૂસવાનાં એલર્ટથી કાર્યવાહી

2373
SHARE
જયેશ શાહ,ગાંધીધામ
કચ્છનાં હરામીનાળા ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાને તૈયાર કરેલા મરીન કમાન્ડો કચ્છનાં દરીયાઈ એરિયામાં પ્રવેશવાનાં ઇન્ટેલિજન્સ ઇનપુટથી ખળભળાટ મચી ગયો છે કારણ કે, પાંચ દિવસ પહેલા આ જ વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ પણ મળી આવી હતી જેમાં માણસો મળ્યા ન હતા. હરામીનાળા ક્રીક વિસ્તારમાં બનેલી આ ઘટનાના પાંચ જ દિવસ બાદ ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી મળેલી આ ટિપ્સને પગલે કચ્છ સહિતનાં ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કંડલા પોર્ટ ઉપરાંત મુન્દ્રા સહિતનાં મહત્વપૂર્ણ સ્થળોએ સીઆઇએસએફ ઉપરાંત સ્થાનિક પોલીસ તેમજ ઇન્ડિયન નેવી-કોસ્ટગાર્ડ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો, આ પ્રકારનાં સચોટ ઇનપુટને પગલે દક્ષિણ ભારતથી નેવી અને કોસ્ટગાર્ડનાં યુદ્ધ જહાજોનો કાફલો પણ કચ્છ-ગુજરાતનાં દરિયાકાંઠે તૈનાત કરવાની કવાયત ચાલી રહી છે.
ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા કંડલા પોર્ટને આપવામાં આવેલા ઇનપુટમાં સ્પષ્ટ જણાવવા આવ્યુ છે કે, પાકિસ્તાન દ્વારા તાલીમબદ્ધ એવા મરીન કમાન્ડો કચ્છનાં હરામીનાળા ક્રીક વિસ્તારમાંથી કચ્છનાં દરિયાઇ એરિયામાં ઘૂસી ચુક્યા છે. અંડર વોટર એટેકમાં માહેર એવા આ પાક કમાન્ડો કચ્છનાં દરિયાઇ એરિયામાં પહોંચી ચુક્યા હોવાનો અંદેશો પણ ઇનપુટમાં વ્યકત કરવામાં આવ્યો છે. જેને પગલે કચ્છમાં આવેલા કંડલા પોર્ટ ઉપરાંત મુન્દ્રા પોર્ટ, માંડવી, જખૌ, કોટેશ્વર વગેરે જગ્યાએ પોલીસ અને અર્ધ લશ્કરી દળો ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા પણ સિક્યોરિટી વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઇનપુટના પાંચ દિવસ પહેલા જ ક્રીક એરિયામાંથી બે પાકિસ્તાની બોટ પકડાઈ હોવાને કારણે પણ મામલો વધુ ગંભીર હોવાનુ સૂત્રો માની રહ્યા છે. બોટ મળી હતી ત્યારે એવી વાત બહાર આવી હતી કે, બોટમાંથી માણસો ભાગી ગયા હતા જોકે બોટના માણસો ભાગીને કઈ દિશામાં, એટલે કે પાકિસ્તાનમાં કે ભારત તરફ ભાગ્યા હતા તે જાણી શકાયું ના હતુ.
એક તરફ જયાં દરિયાઇ સીમાથી ભારતમાં ઘુસણખોરીની વાત આવી રહી છે તેવામાં પાકિસ્તાને તેનાં કરાંચી એરપોર્ટ ઉપર પાક આર્મીને ગોઠવી હોવાનાં સમાચારને લીધે કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં સાવચેત રહેવાની સુચના ગુજરાત ડીજીપી તરફથી મળી હોવાનુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ. ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે પાકિસ્તાની સરકારનાં મંત્રીઓ તરફથી રોજ આપવામા યુદ્ધની ધમકીઓને કારણે પણ પાક મરીન કમાન્ડોનાં ઇનપુટને સુરક્ષાના જાણકારો ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યા છે.