મુખ્યમંત્રી વિજયભાઈની આજની ભુજની મુલાકાત પૂર્વે પોલીસે વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો અને રાજકીય આગેવાનોને નજરકેદ કરતા ભુજમાં રાજકીય ગરમાવો અનુભવાયો હતો. પોલીસે પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીક મારા, કોંગ્રેસના મહિલા આગેવાન માનસી શાહ, કચ્છ કોંગ્રેસના મહામંત્રી અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ ડૉ.રમેશ ગરવા, કચ્છ કોંગ્રેસના યુવા અગ્રણી, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગર, આરટીઆઇ એક્ટિવિસ્ટ દતેશ ભાવસાર, જાવેદ સમા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ નરેશ મહેશ્વરી અન્ય આગેવાનો હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, વિશાલ પંડયા, રમણીક ગરવા, પ્રકાશ ધેડા, શાંતિલાલ મહેશ્વરી, ભીમ આર્મી કચ્છ જિલ્લાના પ્રમુખ લખન ધુવા રમઝાન સમા, કિશન લોંચા સહિતનાની અટક કરવામાં આવી હતી. નજરકેદ કરીને પ્રજાનો અવાજ સરકાર દબાવવા માંગે છે, એવો આક્ષેપ આ આગેવાનોએ કર્યો હતો. પોતે પ્રજાની સમસ્યાઓ માટે લડતાં હોવાનું અને પ્રજાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રીને મળવા માંગતા હોવાનો ખુલાસો નજરકેદ કરાયેલા આગેવાનોએ કર્યો અને આક્ષેપ કર્યો હતો કે, પોલીસ રાત્રે દોઢ વાગ્યાથીજ તેમને ઘેર આવી ગઈ હતી અને તેમને સતત નજરકેદ રખાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમનો છુટકારો થયો હતો.