Home Current સાર્વત્રિક વરસાદના પગલે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પરંપરાગત મેઘલાડુ ઉત્સવમાં મુખ્યમંત્રીશ્રીની...

સાર્વત્રિક વરસાદના પગલે ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પરંપરાગત મેઘલાડુ ઉત્સવમાં મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતી

1236
SHARE
સતત દુષ્કાળનો સામનો કરી રહેલા કચ્છ જિલ્લામાં આ વર્ષે મેઘમહેર થતાં સાર્વત્રિક વરસાદ બાદ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત મેઘલાડુ મહોત્સવ પ્રસંગે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ કચ્છીઓની ખુમારીને યાદ કરતાં કચ્છીઓએ હસતાં હસતાં સંઘર્ષ કરીને હંમેશા કચ્છને કુદરતી આફતમાંથી બેઠુ કર્યું હોવાનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે વિજયભાઇ રૂપાણીએ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમથી પીવા અને સિંચાઇના પાણીને ખુણે ખુણે સુધી પહોંચાડવા માટે સરકાર કટીબદ્ધ હોવાનું જણાવી કચ્છમાં પણ નર્મદાના કામો ઝડપથી પૂર્ણ કરવા અગ્રીમતાથી ચાલી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. કચ્છ જિલ્લો નંદનવન બને તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, કચ્છના તમામ ડેમો અને તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે રાજ્ય સરકાર કચ્છ જિલ્લાને વિશેષ સવલત ઉપલબ્ધ કરાવી જિલ્લો વધુને વધુ સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે એવી જાહેરાત કરી હતી કે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અછત અંગેની તમામ સબસિડી જુન-૨૦૧૯ સુધીની જ આપવામાં આવતી હતી, જે હવેથી ૩૧ જુલાઇ-૨૦૧૯ સુધી આપવામાં આવશે તેમની આ જાહેરાતને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજ્ય સરકારે કચ્છ જિલ્લાની વિશેષ ચિંતા કરી હોવાનો ઉલ્લેખ કરી સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. સરકારે દુકાળના સમયે કચ્છીઓની સતત ચિંતા કરી પરિણામલક્ષી કાર્યો કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મેઘલાડુ ઉત્સવ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના દેવચરણ સ્વામિએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા થતી સેવાકીય કામગીરીનો ઉલ્લેખ કરી કોઇ પણ કપરી પરિસ્થિતિમાં ભુજ મંદિર સરકારની પડખે ઊભું રહ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. મેઘલાડુ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કચ્છના ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રવાસન વિભાગના ડાયરેક્ટર કેશુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન, ડીડીઓ પ્રભવ જોષી, પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદ છેડા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, અગ્રણી હિતેશભાઇ ખંડોલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કચ્છીજનો સહભાગી થયા હતા.