Home Current કચ્છી દાનવીર શ્રેષ્ઠી ડુંગરશી ટોકરશી વોરા (અમરસન્સ)નો સંથારો સિઝયો – ૭ ઉપવાસ...

કચ્છી દાનવીર શ્રેષ્ઠી ડુંગરશી ટોકરશી વોરા (અમરસન્સ)નો સંથારો સિઝયો – ૭ ઉપવાસ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા

1772
SHARE
અનશનવ્રતની ઉગ્ર આરાધના કરનાર કચ્છી દાનવીર શ્રેષ્ઠી ડુંગરશીભાઈ ટોકરશી વોરાનો સંથારો આજે સોમવારે મુંબઈ મધ્યે સમાધિપૂર્વક સિઝયો હતો. સવારે ૮/૧૫ વાગ્યે ધાર્મિક માહોલ વચ્ચે અનશનવ્રતની ઉગ્ર આરાધના કરતા કરતા તેમનો સંથારો સીઝી ગયો હતો. મૂળ મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના વતની ડુંગરશીભાઈ વોરા અને તેમના પરિવારજનો વર્ષોથી મુંબઈ મધ્યે વ્યવસાય અર્થે સ્થાયી થયા હતા. તેમના પરિવાર દ્વારા શરૂ કરાયેલ અમરસન્સ સ્ટોરની ગણના આજે પણ મુંબઈના અગ્રગણ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર તરીકે થાય છે. કર્મભૂમિ મુંબઈ હોવા છતાંયે ડુંગરશીભાઈ વોરા અને તેમનો પરિવાર સાથે માતૃભૂમિ કચ્છ જોડાયેલા રહ્યા. પોતાની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા ભુજના કવીઓ જૈન મહાજનના તેઓ મુખ્ય દાતા હતા. અમરસન્સ ભવનનું ભુજનું આ સંકુલ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓથી ધબકી રહ્યું છે, તેમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. પૂર્વ રાજયમંત્રી અને ભુજ કવીઓ જૈન મહાજનના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું છે કે, કચ્છી સમાજે એક વાત્સલ્યપૂર્ણ વડીલ ગુમાવ્યા છે, તેમના નિધનથી સમસ્ત કચ્છી સમાજને બહુ મોટી ખોટ પડી છે. કચ્છી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓને ઉદાર હાથે દાન આપનાર જીવદયાપ્રેમી ડુંગરશીભાઈ વોરા પોતાના વતન નવીનાળ (મુન્દ્રા)માં સામાજિક સેવાકીય પ્રવૃતિઓ ઉપરાંત ધાર્મિકક્ષેત્રે પણ આર્થિક યોગદાન આપવામાં અગ્રેસર રહેતાં હતાં.