ભચાઉના લાકડીયા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર પસાર થતી માલગાડીની હડફેટે આવી જતાં ૧૩ ગાયોના મોત નિપજ્યા હતા જ્યારે ૩ ગાયો ઇજાગ્રસ્ત થઈ હતી. આજે રાત્રે બનેલા આ બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી છવાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત ૩ ગાયોને રાપર જીવદયા કેન્દ્રની એમ્બ્યુલન્સ દ્વારા ભચાઉ પાંજરાપોળ માં આશરો અપાયો છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ગાયો આમ તો પાલતું હતી પણ તેઓને રાત્રે ચરવા માટે છુટી છોડી દેવાઈ હતી.
માત્ર દૂધ દોહીને છૂટી છોડી દેતાં સ્વાર્થી પશુપાલકોના કારણે શહેરો અને ગામડામાં લોકો હેરાન પરેશાન
લાકડીયા ગામ પાસે એક સાથે ૧૩ ગૌમાતા રેલવે ટ્રેક ઉપર માલગાડીની હડફેટે કપાઈ જવાના બનાવથી સૌ કોઈને અરેરાટી થાય જ પણ, આ બનાવે ફરી એકવાર એ ચર્ચા જગાવી છે, કે માલધારીઓ દ્વારા દૂધ દોહીને પોતાની ગાયોને છૂટી છોડી દેવાનું વલણ આઘાતજનક છે. કચ્છના ગાંધીધામ, ભુજ, અંજાર, ભચાઉ, નખત્રાણા જેવા શહેરોમાં રખડતાં ઢોરો લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. ભુજમાં તો રખડતાં ઢોર જેવા પકડાય તેવા જ તેના માલિકો આવી જાય અને ઢોરને છોડાવી જાય. હવે, રખડતાં ઢોરની આ જ પરિસ્થિતિ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતી જાય છે. જે ચિંતાજનક છે. ખરેખર તો જાહેરમાર્ગો ઉપર રખડતાં ઢોરની સમસ્યાને ટ્રાફિક ભંગમાં ગણીને આવા ઢોર માલિકો પાસેથી આકરો દંડ વસુલ કરવો જોઈએ. ગૌમાતા પ્રત્યેની આપણી આસ્થા અને શ્રદ્ધા ખરેખર વ્યવહારમાં દેખાવી જોઈએ. શા માટે ભેંસોને રસ્તાઓ ઉપર છૂટી છોડવામાં નથી આવતી અને ગૌમાતાને રખડતી છોડી દેવાય છે? આ કડવી વાસ્તવિકતા એ વિચારવા મજબૂર કરે છે કે, માણસ જેવું સ્વાર્થી કોઈ નથી.