Home Social મુન્દ્રામાં મળ્યું ‘ધૂલ કા ફૂલ’, સગી જનેતાએ તરછોડેલી બાળકીને જીવાડવા ‘પારકા...

મુન્દ્રામાં મળ્યું ‘ધૂલ કા ફૂલ’, સગી જનેતાએ તરછોડેલી બાળકીને જીવાડવા ‘પારકા બન્યા પોતાના’, કાળજું વલોવતો સંઘર્ષ

3114
SHARE
વાત એક માસુમ નવજાત બાળકીની છે, જેણે પોતાની આંખો તો ખોલી સગી જનેતાના ખોળામાં, પણ, આ માસુમ ફુલને ખુદ તેની સગી જનેતાએ જ તરછોડીને કાંટાઓમાં ફેંકી દીધું. મુન્દ્રા બારોઇ વચ્ચે ખારી મીઠી વિસ્તારમાં કાંટાળી બાવળની ઝાડીઓમાંથી આવેલા નવજાત શિશુના રડવાના અવાજને પગલે કોઈ ભલા માણસે 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો. જાણ થતાં જ તુરત 108ના પાયલોટ દેવેન્દ્ર સિઁહ ઝાલા અને ઇએમટી ઈશ્વર પરમાર ખારી મીઠી વિસ્તાર નજીક પહોંચી ગયા હતા. 108 ના બન્ને કર્મચારીઓએ  આ ‘ધૂલ કા ફૂલ’ ને તરછોડેલી અવસ્થામાં જોયું અને તેમનું દિલ દ્રવી ઉઠ્યું. માતા દ્વારા ત્યજાયેલી બાળકી હજી નવજાત અવસ્થાની હોઈ તેના માટે હાલના તબક્કે તબીબી કાળજી ખૂબ જ જરૂરી હોવાનું સમજતાં દેવેન્દ્રસિંહ અને ઈશ્વરભાઈએ એ બાળકીને લઈને મુન્દ્રા જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં સરકારી હોસ્પિટલ ના તબીબ ડો. મંથન ફફલે તાત્કાલિક સારવાર ચાલુ કરી હતી. તો હોસ્પિટલના નર્સ બહેનો હર્ષાબેન મકવાણા અને શિલ્પાબેન ધાયાણીએ પણ તાજી જન્મેલી આ બાળકી ની માવજતપૂર્વક સારવાર આરંભી હતી. આ બાળકીની હાલત સ્વસ્થ લાગતા ડો. મંથન ફફલે મુન્દ્રાની સેવાભાવી સંસ્થા જન સેવા ની હેલ્પલાઇન પર ફોન કરીને તેની વધુ કાળજી માટે સામાજિક કાર્યકર રાજ સંઘવીની મદદ માંગી યોગ્ય સ્થળે આ બાળકીને આશરો મળે તે માટે વ્યવસ્થા કરવા જાણ કરી હતી. રાજ સંઘવી તરત જ હોસ્પિટલમાં દોડી ગયા હતાં અને એ બાળકીની તબિયતની જાણકારી મેળવી ભુજ ની માનવજ્યોત સંસ્થા ના પ્રમુખ પ્રબોધ ભાઈ મુનવર અને કચ્છ મહિલા આશ્રમના ભક્તિબેનને જાણ કરી અને  લેડી પોલીસ કોન્સ્ટેબલ સાથે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી. દરમ્યાન મુન્દ્રા પોલીસ વતી પોલીસ કોન્સ્ટેબલ મુકેશ ભાડકા મદદરૂપ બન્યા હતા, તેમણે આ અંગે કાનૂની કાર્યવાહી કરી જરૂરી નિવેદનો લીધા હતા. આ અંગે મુન્દ્રા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, ભુજ સુધી બરાબર હેમખેમ પહોંચી આવેલ આ ‘ધૂલ કા ફૂલ’ માટે જીવનનો સંઘર્ષ આંખ ઉઘડ્યા પહેલાં જ શરૂ થઈ ગયો છે. પણ, હવે માનવતાના મલમપટ્ટા દ્વારા આ માસુમના અંધકારભર્યા જીવનમાં પ્રકાશ રેલાય તેવુ ઇચ્છીએ.