Home Current માતાના મઢથી દર્શન કરી બાઈક પર સુરેન્દ્રનગર પરત જતાં દંપતીનો અકસ્માત –...

માતાના મઢથી દર્શન કરી બાઈક પર સુરેન્દ્રનગર પરત જતાં દંપતીનો અકસ્માત – પત્નીનું મોત, પતિ ઘાયલ પણ નાનકડા પુત્રનો ચમત્કારિક બચાવ

1113
SHARE
કચ્છમાં માર્ગ અકસ્માતની રક્તરંજીત ઘટનાઓ સતત ચાલુ જ રહી છે. માતાના મઢથી દર્શન કરીને બાઈક ઉપર પરત પોતાને ગામ સુરેન્દ્રનગર જઈ રહેલા પરિવારને ટ્રકે હડફેટે લેતાં આ પરિવાર માટે આ અકસ્માત જીવલેણ બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સાંજે બનેલા આ બનાવમાં બાઈક ન. જીજે ૧૩ એસ ૮૨૪૪ ના ચાલક ભરતભાઈ ઘાઘરેટિયાને સામખિયાળી હાઇવે ઉપર હોટલ નાગરાજ પાસે ટ્રકે હડફેટે લીધા હતા. ટ્રકની ટકકરને કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના પત્ની રંજનબેન ઉછળીને રસ્તા ઉપર પડતાં તેમના માથા ઉપર ટ્રકનું પૈડું ફરી વળતાં ઘટનાસ્થળે જ રંજનબેન ભરત ઘાઘરેટિયા (ઉ.૪૦) નું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ભરતભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના આ બનાવમાં આ દંપતીની સાથે રહેલા તેમના ૧૦ વર્ષીય પુત્રનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. અકસ્માતનો ભોગ બનનાર દંપતી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કુકડા ગામના વતની છે. તેઓ માતાના મઢ મધ્યે દર્શન કરીને પરત પોતાને ગામ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત આ દંપતી માટે ગોઝારો નીવડ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.