બે દિવસમાં પચાસ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન- આજે રવિવારે સવારથી જ ભારે ધસારો
આજે રવિવારે કચ્છમાં માતાના મઢ તરફ દર્શનાર્થીઓના ભારે ધસારાના કારણે ટ્રાફિક જામ થયો હતો. જોકે, છેલ્લા બે દિવસ શુક્ર અને શનિવાર દરમ્યાન ૫૦ હજાર દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. આજે પ્રથમ નોરતે રવિવારે વાહનો અને પગપાળા યાત્રિકોના ભારે ઘસારાના કારણે માતાના મઢમાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારથી જ પદયાત્રીઓ ઉપરાંત, બાઇકો, છકડો રિક્ષાઓ, તુફાન જીપો, મીની ટેમ્પો, એસટી બસો અને ખાનગી કારો સહિતના વાહનો સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને પગલે આવવા અને જવા બન્ને તરફનો હાઇવે રોડ વાહનોથી ઉભરાઈ જતાં પાંચ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. લાંબી લાંબી વાહનોની કતારોમાં સૌ અટવાયા હતા. જોકે, ટ્રાફિક વ્યવસ્થાને પાટે ચડાવવા પોલીસને નાકે દમ આવી ગયો હતો. પોલીસની મદદે અન્ય સેવાભાવી લોકો પણ આવ્યા હતા.