ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યક્તિઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વેપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમના ૪૫ વર્ષીય પત્ની કલ્પનાબેન શ્યામભાઈ ખત્રીની હોવાનું જાણવા મળ્યું છે. આ સિંધી વેપારી પરિવાર ભુજના ભગતવાડી, શિવનગર વિસ્તારમાં રહે છે. તેમની દુકાન ભુજના જુના એસટી સ્ટેન્ડ પાસે આવેલી છે. આપઘાતનું કારણ આર્થિક ભીંસ છે કે પછી કૌટુંબિક ઝઘડો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે પતિ-પત્નીએ સવારે લોકોની સામે જ હમીરસરમાં કૂદકો માર્યો હતો. આ પહેલાં બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી પણ થઈ હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.