કચ્છમાંથી થયેલી બદલીના કારણે આજે વિદાય લઈ રહેલા આઈજી ડી.બી. વાઘેલાએ ભુજની આઈજી કચેરીમાં પત્રકારો સાથે સ્નેહમિલન યોજયું હતું. ગુજરાત પોલીસના વરિષ્ઠ આઇપીએસ અધિકારી ડી.બી. વાઘેલાએ તેમના કાર્યકાળ દરમ્યાન કચ્છના મીડીયા દ્વારા મળેલા સહકારનો ઉલ્લેખ કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. દરમ્યાન તેમણે પત્રકારો સાથે નિખાલસપણે વાતચીત કરી હતી. જોકે, લેન્ડલાઈન ફોન હોય કે મોબાઈલ ફોન હોય આઈજી શ્રી વાઘેલા સામાન્ય નાગરિકથી માંડીને પત્રકારોના ફોન અડધી રાત્રે પણ ઉપડતા અને જવાબ આપતા હતા.
આઈજી ડી.બી. વાઘેલાને હજી કચ્છમાં જ રહેવું હતું? નિવૃત્તિ પછી લખશે પોતાના અનુભવ અંગે પુસ્તક
આઈજી ડી.બી. વાઘેલાની ગણતરી ગુજરાતના બાહોશ પોલીસ અધિકારીઓમાં થાય છે. તેમને અગાઉની ઉત્કૃષ્ટ કામગીરીને આધારે ગુજરાત એસીબીમાં એડિશનલ ડાયરેકટર તરીકેની નિમણુંક મળી છે. જોકે, પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમની ઈચ્છા હજી કચ્છમાં જ ફરજ બજાવવાની હતી, તેઓ નિવૃત્તિના આરે હોઈ ૯ મહિના પછી કચ્છ બોર્ડર રેન્જ આઈજી તરીકે જ તેઓ નિવૃત થાય તેવી તેમની ઈચ્છા હતી. પણ, સરકારે હાલે એસીબીમાં બદલી કરી તે અંગે પણ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. કચ્છમાં તેમના કાર્યકાળમાં શરૂ થયેલી ટેલિફોન હેલ્પ લાઇન તેમજ સાયબર પોલીસ સ્ટેશન દ્વારા અરજદારોની ફરિયાદોનો નિકાલ થયો હોવાનું અને નાના માં નાના અરજદારને, એક સામાન્ય નાગરિકને પણ પોતાની ફરિયાદ પોલીસ સાંભળતી હોવાનો અહેસાસ કરાવવામાં તેઓ સફળ રહ્યા હોવાની લાગણી શ્રી વાઘેલાએ વ્યક્ત કરી હતી. ભુજમાં પણ ગેંગવોર અટકાવવા, કચ્છમાં દારૂના નેટવર્કને ભેદવામાં તેમજ અનેક અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવા, બનાસકાંઠા, પાટણમાં પણ સફળ કામગીરી કરવામાં તેમને પોલીસનો સારો સહયોગ મળ્યો હોવાનું જણાવ્યું હતું. નિવૃત્તિ પછી પોતે પોતાના પોલીસ વિભાગના અનુભવો ઉપર પુસ્તક લખશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
પાકિસ્તાનને કારણે ગુજરાત ઉપર શેનું જોખમ ઝળુંબે છે?, કચ્છમાં ક્યા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે? જાણો આઈજી ડી.બી. વાઘેલા શું કહે છે?
બોર્ડર રેન્જ આઈજી તરીકે તેઓ દેશવિરોધી પ્રવૃતિઓ વિશે જાણકારી મેળવવામાં સ્લીપર સેલને એલર્ટ કરી શક્યા હોવાનું શ્રી વાઘેલાએ જણાવ્યું હતું. કચ્છ સરહદ દ્વારા વર્તમાન અને આવનારા સમયમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ જોખમ ગુજરાત ઉપર કેફીદ્રવ્યો નું છે. પંજાબને ‘ઉડતા પંજાબ’ બનાવી યુવા પેઢીને ડ્રગ્સ દ્વારા બરબાદ કરનાર પાકિસ્તાન હવે ગુજરાતને ‘ઉડતા ગુજરાત’ બનાવવા માંગે છે, એવું કહેતા શ્રી વાઘેલાએ વર્તમાન સમયમાં ગુજરાતના યુવા વર્ગમાં ગાંજાનું સેવન તેમજ રેવ પાર્ટીનો ક્રેઝ વધી રહ્યો છે, તે પ્રત્યે ચિંતા દર્શાવી હતી. કચ્છના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સ, કેફી દ્રવ્યો ઘુસાડવા થઈ રહ્યો હોવાનું કહેતા બોર્ડર રેન્જ આઈજીએ આ ડ્રગ્સ ઝડપાય ત્યારે અન્ય એજન્સીઓ દ્વારા પોલીસને સાથે રાખવામાં આવે તેવું સૂચન કર્યું હતું. પોલીસના નેટવર્કના કારણે ડ્રગ્સ ની હેરાફેરીમાં સંડોવાયેલા સ્થાનિક ગુનેગારો સુધી પહોંચી શકાય છે. કચ્છની ચીટર ગેંગ દ્વારા થઈ રહેલી લાખોની ઠગાઈના ગુનાઓમાં, વ્યાજખોરોમાં શ્રી વાઘેલાની સતકર્તાને કારણે ઘટાડો થયો હતો. આવનારા સમયમાં કચ્છમાં જમીન અંગેના ગુનાઓ, અન્યની જમીન ઉપર દબાણ કરવાની પ્રવૃત્તિ તેમજ વ્યાજને કારણે થતાં ગુનાઓ વધવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, ખનિજ ચોરી માટે પોતે શરૂ કરેલી હેલ્પલાઇન દરમ્યાન ગેરકાયદે ખનન દ્વારા લાખોની ખનિજ ચોરીના ગુનાઓ સામે આવ્યા હોવા છતાંયે ખનિજ કચેરી દ્વારા સહકાર નહિં મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પોતે આ અંગે જિલ્લા કલેકટર સાથે પત્ર વ્યવહાર પણ કર્યો હોવા છતાંયે ખનિજ ચોરી કરનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં કચ્છ જિલ્લા ખાણ ખનિજ કચેરીનો નિરુત્સાહ વર્તાયો હોવાનો વસવસો વરિષ્ઠ આઇપીએસ પોલીસ ઓફિસર શ્રી વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.