જયેશ શાહ:
મારું નામ શું છે એ મહત્વનું નથી. પરંતુ મારી ઓળખ આપવા માટે હું માત્ર એટલું જ કહીશ કે, મારે પણ 20મી ઓક્ટોબરનાં રોજ આયોજિત થયેલી ગુજરાત ગૌણ પસંદગી મંડળની ક્લાર્કની પરીક્ષા આપવાની હતી. વૃદ્ધ માતા-પિતા અને ચાર ભાઈ-બહેનવાળા પરિવારમાં મારો જન્મ કચ્છનાં એક ગામમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નાજુક હોવાને કારણે ગ્રેજયુટ ના થઈ શક્યો. માત્ર કોલેજના બીજા વર્ષ સુધી જ ભણી શક્યો અને ત્યાર પછી પરિવારના ગુજરાન માટે પ્રાઈવેટ નોકરીમાં લાગી ગયો હતો. સરકારી નોકરી માટેની અન્ય લોકોની ઝંખના જેમ મારી પણ તમન્ના હતી કે મને પણ ક્યાંક સરકારી નોકરી મળી જાય.
સરકારી નોકરી મેળવવા માટે પ્રાઇવેટ નોકરીની સાથે સાથે મેં પણ અન્ય યુવાનોની જેમ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. મારી ધગશ જોઈને મારુ કેરિયર બનાવવા માટે મારા વૃદ્ધ મા બાપે સંપત્તિનો છેલ્લો ટુકડો એવું ખેતર પણ વેચીને મને કોમ્પીટીશન એક્ઝામ માટે આર્થિક મદદ કરી હતી. સ્નાતક સુધી અભ્યાસ ન કર્યો હોવાને કારણે મારા માટે દસમાં કે બારમાં ધોરણની લાયકાતવાળી સરકારી નોકરી ઉપર મદાર હતો.
દસમાં અને બારમાં ધોરણની લાયકાતવાળી કેન્દ્ર સરકાર હસ્તકની સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્ક, એલઆઇસી, રેલવે વગેરે જેવી પાંચેક લેખિત પરીક્ષા પણ પાસ કરી ચુક્યો હતો. પરંતુ તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા બારમાં ધોરણની લાયકાતવાળી બિન સચિવાલય ક્લાર્કની જાહેરાતો આવવાની શરૂઆત થઈ હતી. લાસ્ટ ટાઈમ હું પ્રિલીમ પરીક્ષામાં પણ પાસ થયો હતો. પરંતુ અંતિમ પરિણામમાં ન આવી શક્યો. આ વખતે મારી ઉંમર પ્રમાણે વીસમી તારીખે આયોજિત થયેલી પરીક્ષા કદાચ મારી અંતિમ પરીક્ષા હતી. અને ગુજરાત સરકારે અચાનક પરીક્ષા રદ્દ કરી દીધી. હવે આ પરીક્ષામાં ગ્રેજ્યુટ હોય તેવા લોકોને જ પરીક્ષામાં બેસવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મને એમ થાય છે કે, નાના અમથા ઘરમાં પણ જો કોઈ પ્રસંગ કરવાનો હોય ત્યારે ચારે તરફથી સમજી વિચારીને તૈયારી કરવામાં આવતી હોય છે. તો ગુજરાત સરકારે આવું કાંઈક વિચાર્યું જ નહીં હોય ?
અહીં માત્ર મારી વાત નથી. મારા જેવા અનેક યુવાનોનો આ પ્રશ્ન છે. જેમણે દેખાવે નબળા લાગતા મનમોહન સિંહને બદલે મોદી સાહેબ જેવા સિંહ પુરુષનાં ચહેરાને જોઈને ભાજપને વોટ આપ્યો હતો. સાહેબ, તો શુ એ અમારી ભૂલ હતી, કે તમને જોઈને મારા જેવા લાખો યુવાનોએ ભાજપને એટલા વોટ આપ્યા કે લોકશાહીમાં જેનું બરાબરનું મહત્વ છે એવા વિપક્ષનો પણ અમે એકડો કાઢી નાખ્યો. તમે તો દિલ્હી જતા રહ્યા પણ અમને ગુજરાતમાં કેવા લોકોને સહારે મૂકી ગયા છો, જે અમારી વેદનાને પણ સમજતા નથી. બહુ લખતા આવડતું નથી. પરંતુ થોડામાં ઘણું સમજી જવાની તમારી અનોખી આવડત અંગે મને જરા પણ શંકા નથી. મોદી સાહેબ, હજુ પણ મને તમારામાં અખૂટ શ્રદ્ધા છે. હજુ પણ ચૂંટણી આવશે ત્યારે હું અને મારા જેવા લાખો યુવાન ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ અને ‘મંદિર વહી બનાયેગે’ જેવા જોશીલા નારાથી રોમાંચિત થ ઈને આપને જ વોટ આપીશું.
વંદે માતરમ…