Home Current પાટા ઉપરથી એન્જીન ખડી પડતાં ભુજ આવતી કચ્છએક્સપ્રેસ, સયાજી અને બરેલી દિલ્હી...

પાટા ઉપરથી એન્જીન ખડી પડતાં ભુજ આવતી કચ્છએક્સપ્રેસ, સયાજી અને બરેલી દિલ્હી ટ્રેન અધવચ્ચે અટકી – જાણો વિશેષ

3518
SHARE
ગાંધીધામ પાલનપુર વચ્ચે દોડતી ટ્રેન નંબર ૫૯૪૨૬ પેસેન્જર ટ્રેનનું એન્જીન પાટા ઉપરથી ખડી પડતાં ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો. ગાંધીધામ અને ભચાઉ વચ્ચે ભીમાસર નજીક એન્જીન પાટા ઉપરથી ખડી પડ્યું હતું. જોકે, કોઈ જાનમાલની નુકસાની થઈ નથી. પશ્ચિમ રેલવેની સતાવાર યાદી પ્રમાણે આજે તા/૧૭/૧૦ ગુરુવારના મુંબઈ થી ભુજ આવતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને વહેલી પરોઢે ભચાઉ સ્ટેશને જ્યારે મુંબઈ થી ભુજ આવતી આજની કચ્છ એક્સપ્રેસ ટ્રેનને સામખીયાળી રેલવે સ્ટેશને અને બરેલી-દિલ્હીથી ભુજ આવતી આજની આલા હજરત એક્સપ્રેસ ટ્રેનને આડેસર રેલવે સ્ટેશને રોકી દેવાઈ હતી. એકાએક ટ્રેનો અધવચ્ચે અટકી જતા પ્રવાસીઓ મળસ્કે હેરાન થયા હતા. ગાંધીધામ, ભુજ તેમજ મુન્દ્રા માંડવી, અબડાસા પહોંચવા માંગતા પ્રવાસીઓએ નછૂટકે મોંઘા ભાડા ખર્ચી ખાનગી વાહનોનો, તો કેટલાક પ્રવાસીઓએ બસનો સહારો લીધો હતો. જોકે, મોટી ઉંમરના પ્રવાસીઓ તેમજ વધુ સમાન લઈને વતન આવનારા પ્રવાસીઓ વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને રેલ વ્યવહાર પૂર્વવત ચાલુ થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. સંભવત: આજે ગુરુવારે ભુજથી ઉપડનારી એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ, દાદર ભુજ વીકલી ટ્રેન અને રાતની બન્ને ટ્રેનો કચ્છ એક્સપ્રેસ તેમજ સયાજીનગરી પૂર્વવત ટાઇમસર ઉપડશે. દરમ્યાન રેલવે તંત્રની આખરી યાદી પ્રમાણે રેલવે વ્યવહાર પૂર્વવત ચાલુ થઈ ગયો છે. અધવચ્ચે અટકેલી ત્રણેય ટ્રેનો તેમના નિયત સમય કરતાં ૫ થી ૬ કલાક મોડી ભુજ પહોંચી હતી.